નકલી પાસપોર્ટ અંગે બંગાળ, સિક્કિમમાં સીબીઆઇના 50 થી વધુ સ્થળો પર દરોડા
પાસપોર્ટ સેવા કેન્દ્રના એક અધિકારી સહિત 2 ની ધરપકડ, વધુ કેટલાક લોકો પકડાશે
નકલી પાસપોર્ટ કૌભાંડ મામલે સીબીઆઇએ મોટી કાર્યવાહી કરી હતી . એજન્સીએ પશ્ચિમ બંગાળ અને સિક્કિમના લગભગ 50થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા હતા અને આ મામલે તપાસ એજન્સીની કાર્યવાહી હજુ પણ ચાલુ જ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સિલીગુડીના પાસપોર્ટ સેવા લઘુ કેન્દ્ર (પીએસએલકે)ના વરિષ્ઠ અધિક્ષકની એક વચેટિયા સાથે ધરપકડ કરવામાં આવી હતી . હજુ કેટલાક લોકો પકડાઈ શકે છે. બીજા રાજ્યોમાં પણ દરોડા પડી શકે છે. આ કૌભાંડમાં સંડોવાયેલા લોકોમાં નાસભાગ મચી છે.
આઅગાઉ 8 ઓક્ટોબરના રોજ સીબીઆઇએ રાજ્યમાં નાગરિક સંસ્થાની ભરતીમાં કથિત અનિયમિતતાના સંબંધમાં પશ્ચિમ બંગાળના મંત્રી ફિરહાદ હકીમ અને ધારાસભ્ય મદન મિત્રાના ઘર પર દરોડા પાડ્યા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે મહાનગરપાલિકામાં ભરતીમાં થયેલા કૌભાંડ મામલે સીબીઆઇએ આ કાર્યવાહી કરી હતી.
બે વર્ષ પહેલા પણ ફિરહાદ સીબીઆઈના ચંગુલમાં ફસાઈ ચૂક્યો હતો. ત્યારબાદ કેન્દ્રીય તપાસ એજન્સીએ નારદા કૌભાંડમાં તેમની પૂછપરછ કરી હતી અને હવે નાગરિક સંસ્થાની ભરતી કેસમાં તેમની સંડોવણીને લઈને તેમના ઘરે દરોડા પાડ્યા હતા.
આ અગાઉ હકીમ અને મદન મિત્રા બંનેની 2021માં નારદ સ્ટિંગ ઓપરેશન મામલે ધરપકડ કરવામાં આવી હતી. મિત્રાની 2014માં શારદા ચિટ ફંડ કૌભાંડમાં સીબીઆઈ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી હતી. આ વર્ષે 21 એપ્રિલના રોજ કલકત્તા હાઈકોર્ટની સિંગલ જજની બેન્ચે સીબીઆઈને મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી કૌભાંડ કેસની તપાસ પોતાન હાથમાં લેવાનો આદેશ આપ્યો હતો.