સાવધાન ! ટ્રમ્પ ટેરિફ દેશ માટે ચિંતા : રિઝર્વ બેન્કના ગવર્નરે ફુગાવો અને વિકાસનો અંદાજ લગાવી સતર્ક રહેવા કરી અપીલ
સેન્ટ્રલ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ બુધવારે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકાના ટેરિફ પગલાંએ અનિશ્ચિતતાઓમાં વધુ વધારો કર્યો છે. હાલમાં વૃદ્ધિ પર તેની અસરનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે. “વૃદ્ધિમાં સુધારો થઈ રહ્યો છે. પરંતુ તે આપણી આકાંક્ષા કરતા ઓછો છે,” રેપો રેટમાં ઘટાડો કરવા સાથે એમણે ટેરિફ અંગે કહ્યું હતું કે ટ્રમ્પ ટેરિફ અર્થતંત્રના વિકાસ માટે ચિંતાનો વિષય છે. આમ દુનિયાના અન્ય દેશોની જેમ આરબીઆઇએ પણ ટેરિફને લઈને ભારે ચિંતા દર્શાવી છે અને સતર્ક રહેવાની સલાહ આપી છે .
આરબીઆઇએ નાણાકીય વર્ષ 2025-26 માટે જીડીપી વૃદ્ધિ દર 6.5% રહેવાનો અંદાજ લગાવ્યો છે. આ અગાઉના ૬.૭% ના અંદાજ કરતાં થોડું ઓછું છે. આરબીઆઈએ પણ ફુગાવાનો અંદાજ ઘટાડ્યો છે અને ચાલુ નાણાકીય વર્ષમાં તે 4% રહેવાનો અંદાજ લગાવ્યો છે. જ્યારે પહેલા તે 4.2% હતું.
બુધવારે જારી કરાયેલા એક નિવેદનમાં આરબીઆઇએ જણાવ્યું હતું કે વૈશ્વિક આર્થિક દૃષ્ટિકોણ ઝડપથી બદલાઈ રહ્યો છે. તાજેતરના ટેરિફ પગલાંએ તમામ ક્ષેત્રોમાં આર્થિક દૃષ્ટિકોણને લગતી અનિશ્ચિતતાઓમાં વધુ વધારો કર્યો છે. આનાથી વૈશ્વિક વિકાસ અને ફુગાવા માટે નવા પડકારો ઉભા થયા છે.
એમણે વધુમાં કહ્યું કે “ફુગાવાના મોરચે, ખાદ્ય ફુગાવામાં અપેક્ષા કરતાં વધુ ઘટાડાથી અમને રાહત અને આત્મવિશ્વાસ મળ્યો છે. અમે વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને હવામાન સંબંધિત વિક્ષેપો દ્વારા ઉભા થતા સંભવિત જોખમો સામે સતર્ક રહીએ છીએ,”