રાજકોટ શહેરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ધાર્મિક લાગણી દુભાવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઈન્સ્ટાગ્રામમાં હિન્દુ દેવી-દેવતા વિષે અભદ્ર ટિપ્પણી કરનાર શખ્સને બજરંગ દળના કાર્યકર્તાએ આવું ન કરવા સમજાવતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ત્રણ ઈન્સ્ટાગ્રામ આઇડી ધારકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગતો મુજબ, કોઠારીયા રોડ વિસ્તારમાં રહેતા અને નર્સિંગ હોમ તેમજ સમાજ સેવા સાથે જોડાયેલા બજરંગ દળના કાર્યકરજીતેન્દ્ર રમણીકલાલ વેગડાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ‘સુલતાન’ નામના ઇન્સ્ટાગ્રામ આઈડી ધારક સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, દસેક દિવસ પહેલા અમદાવાદના બજરંગ દળના કાર્યકર આશુસિંહ સિકરવારે તેમને જાણ કરી હતી કે, સુલતાન222 નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી છત્રપતિ શિવાજી મહારાજના વિડિયો સાથે ચેડાં કરી ગુજરાતીમાં અભદ્ર લખાણ લખી વાયરલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો :ઊભા રહો હું પોલીસ કમિશનરને ફોન કરું…ધુળેટીમાં રાજકોટ પોલીસ પર રુઆબ છાંટવો કથિત પત્રકારને પડ્યો ભારે! જાણો શું છે મામલો
આ બાબતે જ્યારે જીતેન્દ્રભાઈએ સુલતાનનો સંપર્ક કરી વિડિયો હટાવવા સમજાવ્યું ત્યારે આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ઇન્સ્ટાગ્રામ કોલ પર હિન્દુ દેવી-દેવતાઓ, ભગવાન રામ, હનુમાનજી અને ભોલેનાથ વિશે અત્યંત અશોભનીય અને ગાળો ભરેલી ભાષાનો પ્રયોગ કર્યો હતો. એટલું જ નહીં, ફરિયાદીના મિત્ર નિમેષ ઉર્ફે નયન ભાંભરને પણ વોઇસ મેસેજ મોકલી ગૌ-રક્ષકો અને બજરંગ દળ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી હતી.
આરોપીએ જીતેન્દ્રભાઈનો ફોટો એડિટ કરી અપમાનજનક વિડિયો અપલોડ કર્યો હતો. તેમજ પર્સનલ મેસેજમાં ત્રણ ઓડિયો ક્લિપ મોકલી ફરિયાદી અને તેમના પરિવારને છરી મારવાની ધમકી આપી હતી પોલીસે આ આપત્તિજનક વિડિયો નીચે અભદ્ર કોમેન્ટ કરનાર અન્ય ત્રણ આઈડી ધારકો સામે પણ આઈટી એક્ટ અને ધાર્મિક લાગણી દુભાવવા તેમજ ધમકી આપવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
