શું ડોનાલ્ડ ટ્રમ્પ 2028 માં ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકે ? જાણો શું છે રાષ્ટ્રપતિ પદ માટેના નિયમો
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં તેમનો બીજો કાર્યકાળ જાન્યુઆરીમાં શરૂ કરશે. અમેરીકાના વર્તમાન સંવિધાન મુજબ રાષ્ટ્રપતિ ફક્ત બે ટર્મ જ સેવા આપી શકે છે, તેથી સામાન્ય રીતે, ટ્રમ્પ 2028 માં ફરીથી ચૂંટણી લડી શકશે નહીં. જો કે, જો બંધારણ બદલાશે તો ટ્રમ્પને ફરી એકવાર ચૂંટણી લડવાની તક મળી શકે. પરંતુ બંધારણ બદલવું અત્યંત પડકારજનક છે અને એવું ભાગ્યે જ બને છે.
રાષ્ટ્રપતિ પદ માટેના વર્તમાન નિયમો
22મા સુધારા હેઠળ કોઈ એક જ વ્યક્તિ રાષ્ટ્રપતિના હોદ્દા માટે માત્ર બે ટર્મ સુધી મર્યાદિત છે. 1951માં પસાર કરાયેલા આ સુધારો જણાવે છે કે કોઈ પણ વ્યક્તિ બે વખતથી વધુ વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ શકતી નથી. મૂળભૂત રીતે, યુ.એસ. ના બંધારણમાં મુદતની કોઈ મર્યાદા નહોતી. વાસ્તવમાં અમેરીકાના , સ્થાપકોમાંના એક એલેક્ઝાન્ડર હેમિલ્ટન માનતા હતા કે રાષ્ટ્રપતિ જ્યાં સુધી લોકો ઇચ્છે ત્યાં સુધી સેવા આપી શકતા હોવા જોઈએ.
જો કે, જ્યોર્જ વોશિંગ્ટન એટલે કે પ્રથમ રાષ્ટ્રપતિએ પોતાની બે મુદ્દત પૂરી થઇ ગઈ પછી રાષ્ટ્રપતિનું પદ છોડીને એક દ્રષ્ટાંત સ્થાપિત કર્યું. ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટ સુધી મોટાભાગના પ્રમુખોએ આ પ્રથાને અનુસરી હતી પરંતુ રુઝવેલ્ટે 1932 થી 1944 દરમિયાન ચાર ટર્મ સુધી સેવા આપી હતી. રૂઝવેલ્ટ પછી, ભાવિ પ્રમુખોને બે ટર્મથી વધુ સેવા આપતા અટકાવવા માટે 22મો સુધારો રજૂ કરવામાં આવ્યો હતો.
શું ટ્રમ્પ માટે નિયમો બદલી શકાય?
ટેક્નિકલ રીતે જો રિપબ્લિકન પાર્ટી બંધારણ બદલવામાં સફળ થાય તો ટ્રમ્પ 2028માં ચૂંટણી લડી શકે છે. પરંતુ બંધારણમાં ફેરફાર કરવો ખૂબ મુશ્કેલ છે. કોઈપણ સુધારા માટે ગૃહ અને સેનેટ બંનેમાં બે-તૃતીયાંશ બહુમતી અથવા રાજ્યની બે તૃતીયાંશ વિધાનસભાઓ દ્વારા બોલાવવામાં આવેલા બંધારણીય સંમેલનની જરૂર પડશે. યુએસ ઈતિહાસમાં, માત્ર 27 સુધારા ઉમેરવામાં આવ્યા છે માટે રાષ્ટ્રપતિની મુદ્દત માટે નવો સુધારો લાવવો એ સંભવિત જણાય છે.
ટ્રમ્પની ઈચ્છા શું છે?
ટ્રમ્પે 2028માં ચૂંટણી લડવા અંગે મિશ્ર પ્રતિભાવો આપ્યા છે. મિશિગનમાં એક રેલી દરમિયાન, તેમણે રાષ્ટ્રપતિ તરીકેની તેમની સફર વિશે વાત કરી અને સંકેત આપ્યો કે આ કાર્યકાળ તેમનો છેલ્લો હશે. સપ્ટેમ્બરના એક ઇન્ટરવ્યુમાં, તેણે 2028 માં પદ માટે ચૂંટણી લડવાના વિચારને નકારી કાઢ્યો, કહ્યું કે તે તેના વર્તમાન કાર્યકાળ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને “દેશને પાટા પર પાછા લાવવા” માટે કામ કરવા માંગે છે.
પરંતુ ટ્રમ્પે એવી પણ ટિપ્પણીઓ કરી છે જેણે ચિંતા પેદા કરી છે. એક NRA ઇવેન્ટમાં, તેમણે ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટની ઓફિસમાં ચાર ટર્મનો પણ ઉલ્લેખ કર્યો, અને જો તેઓ ફરીથી જીત્યા તો પોતાના માટે ત્રીજી ટર્મની શક્યતા વિશે વિચારે તેવું કહ્યું.
ટ્રમ્પ સાથે અમેરીકન પ્રમુખપદનું ભાવિ અદ્ધરતાલ રહેવાનું છે. વર્તમાન કાયદાઓ તો તેમને 2028 માં ફરીથી ચૂંટણી લડવાથી અટકાવે છે. પરંતુ જો બંધારણ બદલાય તો કઈ પણ થઇ શકે છે. જોઈએ, અમેરીકન રાજકારણમાં આવનારા વર્ષોમાં શું થશે.