જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કાની ચૂંટણીનો પ્રચાર શાંત
કાલે ૨૪ બેઠક માટે થશે મતદાન : ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
કોંગ્રેસ, રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીરને ફરીથી આતંકવાદ તરફ ધકેલવા માગે છે: અમિત શાહ
જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન ૧૮મીએ થવાનું છે અને એ પૂર્વે આજે પ્રચાર પડઘમ શાંત થઇ ગયા હતા. પ્રથમ તબક્કાની ૨૪ બેઠક માટે બુધવારે મતદાન થવાનું છે.આ તમામ મતવિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આજે પ્રચારના છેલ્લા દિવસે નેતાઓનો જમાવડો થયો હતો.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લેતાં કિશ્તવાડમાં રેલી કરી હતી. આ રેલીમાં અમિત શાહે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કલમ 370 અંગે સરકારનું વલણ પણ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે હવે કલમ 370 ઈતિહાસ બની ગઈ છે. તેમણે એવો દાવો કર્યો હતો કે જ્મ્મુ-કાશ્મીરમાં આતંકવાદને એવા સ્તરે દફનાવી દેવામાં આવ્યો છે કે હવે તે ફરી પાછો જીવંત થઈ શકતો નથી.
નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પર ‘પરિવારની સરકાર’ બનાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે તેઓ જમ્મુ અને કાશ્મીરમાં હવે ફરીથી સત્તામાં આવી શકશે નહીં. રાહુલ ગાંધી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ અને તેના નેતા રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીરને ફરીથી આતંકવાદ તરફ ધકેલવા માંગે છે.
જમ્મુ અને કાશ્મીરમાં ભાજપના નેતા અમિત શાહે વારંવાર એવો દાવો કર્યો છે કે કોંગ્રેસ અને તેની સહયોગી નેશનલ કોન્ફરન્સ (એનસી) આતંકવાદ પ્રત્યે કુણું વલણ ધરાવે છે અને જો આ પાર્ટીની ગઠબંધન સરકાર સત્તામાં આવશે, તો તેઓ આતંકવાદીઓ અને પથ્થરબાજોને જેલમાંથી મુક્ત કરશે. જોકે, તેમના દાવાને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ અને પૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ પહેલા જ રદિયો આપ્યો છે.
સોમવારે પેડર-નાગસેની વિધાનસભા ક્ષેત્ર માટેની ચૂંટણી રેલીમાં અમિત શાહે કહ્યું હતું કે, અહીં ફરી એકવાર આતંકવાદને સમર્થન મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એનસી અને કોંગ્રેસે તો વચન પણ આપ્યું છે કે જો તેઓ સત્તામાં આવશે, તો તેઓ આ આતંકવાદીઓને છોડી દેશે. પરંતુ હું આજે તમને ખાતરી આપું છું કે જ્યાં સુધી નરેન્દ્ર મોદીની સરકાર (કેન્દ્રમાં) છે ત્યાં સુધી ભારતની ધરતી પર આતંકવાદ ફેલાવવાની કોઈ હિંમત નહીં કરે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે આતંકવાદને એવા સ્તરે દફનાવી દેવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે કે તે ફરી પાછો ફરી શકે નહીં. આજે હું આ ક્ષેત્રના તમામ શહીદોને યાદ કરું છું અને વચન આપું છું કે અમે આતંકવાદને એવી રીતે ખતમ કરીશું કે તે ફરી ક્યારેય ઉભરી ન શકે, એમ તેમણે કહ્યું હતું.
અમિત શાહે ફરી એક વખત કહ્યું હતું કે કલમ 370, જેણે જમ્મુ અને કાશ્મીરને ‘વિશેષ દરજ્જો’ આપ્યો હતો અને ઓગસ્ટ 2019 માં ભાજપની આગેવાની હેઠળના કેન્દ્ર દ્વારા તેને રદ કરવામાં આવ્યો હતો, તેને પાછું લાવી શકાતું નથી કારણ કે કલમ 370 હવે ઇતિહાસ બની ગઈ છે. તેમણે વધુમાં કહ્યું કે જો કલમ 370 પાછી લાવવામાં આવશે તો ગુર્જરો અને પહાડીઓને આપવામાં આવેલું આરક્ષણ છીનવાઈ જશે.
તમે ચિંતા કરશો નહીં, કાશ્મીરની સ્થિતિ પર મારી નજર છે. અબ્દુલ્લા કે રાહુલની પાર્ટી જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવી શકશે નહીં, તે હું સુનિશ્ર્ચિત કરીશ, એમ તેમણે કહ્યું હતું.