વેપારીને ઘેર જવાની ઉતાવળ રૂપિયા 4 લાખમાં પડી! રાજકોટના ઓમનગર સામે પૂનમ પ્લાયવૂડની દુકાનમાં ચોરી, જાણો શું છે મામલો
રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર ઓમનગર BRTS બસ સ્ટેશનની સામે આવેલા પૂનમ ટીમ્બર નામની પ્લાયવૂડની દુકાનમાંથી ચાર લાખ રૂપિયાની રોકડની ચોરી થતાં તસ્કરને પકડવા માટે પોલીસમાં દોડધામ થઈ પડી હતી.
આ અંગે પૂનમ ટીમ્બર માર્ટના માલિક સંજયભાઈ ગણેશભાઈ નંદાણીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેઓ 2018થી ઉપરોક્ત સ્થળે પ્લાયવૂડની દુકાન ચલાવે છે. સંજયભાઈએ તેમના મિત્ર વિવેક વાડોદરિયા પાસેથી ચાર લાખ રૂપિયા 20 દિવસ પહેલાં લીધા હતા જે પરત આપવાના હોય 26 ડિસેમ્બરે બેન્કમાંથી ચાર લાખની રોકડ ઉપાડી હતી. જો કે 26 ડિસેમ્બરે વિવેકભાઈ પૈસા લેવા ન આવતા આ રૂપિયા ઓફિસના ટેબલમાં રાખી દીધા હતા.
આ પછી 30 ડિસેમ્બરે વિવેકભાઈ પૈસા લેવા આવવાના હતા પરંતુ ત્યારે પણ ન આવતા સંજયભાઈને કામ હોવાથી ઘેર જવા માટે નીકળી ગયા હતા. જો કે ઘેર જવાની ઉતાવળ હોવાથી તેઓ પૈસા ઘેર લઈ ગયા ન્હોતા અને દુકાનના ટેબલમાં જ રાખી મુક્યા હતા. દરમિયાન બુધવારે તેમને ત્યાં નોકરી કરતા મુકેશભાઈએ ફોન કરી કહ્યું હતું કે દુકાનમાં બધો સામાન વેર-વિખેર પડ્યો છે અને ટેબલના ખાના પણ ખુલ્લા પડ્યા છે. સંજયભાઈએ જઈને જોતાં ચાર લાખ રૂપિયાની રોકડ ગાયબ જણાતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો :રાજ્યના ઇન્ચાર્જ DGP બન્યા ડૉ.રાવ: છ માસ એક્સટેન્શન મેળવનાર વિકાસ સહાયને અપાઇ નિવૃત્તિ વિદાય
દોઢ મહિના પહેલાં જ દુકાન સામેથી બાઇક ચોરાયું હતું
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે દોઢેક મહિના અગાઉ પૂનમ ટીમ્બર સામેથી બાઈકની ઉઠાંતરી થઈ હતી ત્યારે જ પોલીસ દ્વારા વેપારીઓને સીસીટીવી લગાવવા માટે તાકિદ કરી હતી પરંતુ આ તાકિદ ઉપર ધ્યાન ન અપાતાં હવે ચાર લાખની રોકડ ચોરી થવા પામી છે. હાલ અહીં સીસીટીવી ન હોવાને કારણે પોલીસે હવે બાતમીદારોનું નેટવર્ક એક્ટિવ કરી તસ્કરને પકડવા તજવીજ આદરી છે.
