UPમાં બુલડોઝર એક્શન : 180 વર્ષ જૂની મસ્જિદના ગેરકાયદે દબાણને દૂર કરાયું, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરાઈ કામગીરી
યુપીની યોગી સરકારે ગેરકાયદે બાંધકામ પર મોટી કાર્યવાહી ચાલુ રાખી છે. રસ્તો પહોળો કરવાના કારણે અતિક્રમણના દાયરામાં આવતી ફતેહપુર જિલ્લાની લલૌલી સ્થિત 180 વર્ષ જૂની નૂરી જામા મસ્જિદ પર મંગળવારે સવારે વહીવટી તંત્રએ બુલડોઝર ચલાવ્યુ હતું. ભારે પોલીસ દળની તહેનાતી વચ્ચે અતિક્રમણના દાયરામાં આવતા હિસ્સાને ધ્વસ્ત કરી દીધો હતો. એએસપી, એડીએમ, આરએએફ, પીએસી સહિત ઘણા પોલીસ સ્ટેશનની ફોર્સ ઘટના સ્થળ પર તહેનાત હતા.
24 સપ્ટેમ્બરના રોજ તંત્રએ રસ્તો પહોળો કરવાને લઈને અતિક્રમણ અભિયાન ચલાવ્યું હતું. તે દરમિયાન મસ્જિદ કમિટી સાથે જોડાયેલા લોકોએ જાતે જ અતિક્રમણ હટાવવા માટે એક મહિનાનો સમય માગ્યો હતો. પરંતુ નક્કી કરેલ સમય મર્યાદા વીતી જવા છતાં અતિક્રમણ હટાવવામાં નહોતું આવ્યું.
આ સ્થિતિ વચ્ચે મસ્જિદ કમિટિનો પક્ષ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે સુનાવણીની તારીખ 13 ડિસેમ્બર નક્કી કરી હતી, પરંતુ તે પહેલા જ વહીવટી તંત્રએ મસ્જિદના અતિક્રમણ વાળા ભાગને ધ્વસ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
એએસપી વિજય શંકર મિશ્રાએ જણાવ્યું કે, ‘અતિક્રમણ હેઠળનો ભાગ હટાવવામાં આવ્યો છે. મસ્જિદના ભાગને ધ્વસ્ત કરવા માટે બે બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઘટના સ્થળ પર ભારે પોલીસ દળ તહેનાત કરવામાં આવી હતી, પરંતુ સમગ્ર ધ્વસ્તીકરણની પ્રક્રિયા શાંતિપૂર્વક ચાલી હતી.