રાજકોટમાં બિલ્ડરોની લડત : બાંધકામ ઉદ્યોગ સોમવારે સજ્જડ બંધ, સવારે 10:30 કલાકે બહુમાળી ભવનથી મૌન રેલી
બિલ્ડર્સ, એન્જિનિયરો, કારીગરો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાશે: કલેકટરને આવેદન
રાજ્યમાં જંત્રીદરના જંગી ભાવવધારા સામે બિલ્ડરોએ મોરચો માંડ્યો છે, જંત્રીના વિરોધમાં સોમવારે બાંધકામ ઉદ્યોગ સજ્જર બંધ રહેશે. રાજકોટ ઉપરાંત રાજ્યભરમાં રેલી અને આવેદન સાથે વિરોધ દર્શાવશે. રાજકોટ બિલ્ડર એસોસિએશનના નેજા હેઠળ સોમવારે બિલ્ડરો ઉપરાંત એન્જિનિયરો, શ્રમિકો અને બિલ્ડીંગ વ્યવસાય સાથે સંકળાયેલા તમામ વ્યવસાયિકો શહેરના બહુમાળી ભવનથી સવારે 10:30 વાગ્યે મૌન રેલી સાથે કલેકટરને આવેદન આપશે જેમાં કારીગરો અને બાંધકામ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા તમામ લોકો અને પ્રજાજનો પણ મોટી સંખ્યામાં જોડાશે.
રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરાએ કહ્યું હતું કે આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે અને જંત્રી ઉપરાંત અન્ય પ્રશ્નોની પણ રજૂઆત કરવામાં આવશે. જ્યારે પૂર્વ પ્રમુખ રશ્મિભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ ભાવ વધારો હંગામી ધોરણે નહીં પરંતુ લાંબાગાળા માટે નિકાલ આવે એ અંગે માર્ગદર્શન આપ્યું હતું. એસોસિએશનના પૂર્વ પ્રમુખ હિતેશભાઈ બગડાઈએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ભૂતકાળમાં પણ અન્ય રાજ્યોની સરકાર દ્વારા વ્યવહારિક નિરાકરણ લાવવામાં આવ્યું હતું જેના ઉદાહરણો આપીને રજૂઆત કરવા સૂચન કર્યું હતું. આ સિવાય જી.ડી.સી.આર. સિવાયના વધારાના નિયમોનું ફરજિયાત પાલન કરવાનું થતું હોવાથી તે અંગેની મુદ્દાસર રજૂઆત કરવામાં આવશે.
બોક્સ રેલીમાં સ્વયંભૂ આટલા એસોસિએશન જોડાશે
સોમવારે આ રેલીમાં રાજકોટ બિલ્ડર એસોસિએશનના તમામ સભ્યો, રાજકોટ સિવિલ એન્જિનિયરિંગ એસોસિએશન,આર.પી.સી.એ. પ્રોપર્ટી એસોસિએશન, રાજકોટ સિવિલ કોન્ટ્રાક્ટર એસોસિએશન, રીઅલ એસ્ટેટ એજન્ટ એસોસિએશન,આઈ.આઇ.આઈ.ડી,એ.સી.સી.ઇ એસોસિએશન ઓફ કન્સલ્ટિંગ સિવિલ એન્જિનિયર, રાજકોટ રેવન્યુ બાર એસોસિએશન, રાજકોટ લેબર કોન્ટ્રાક્ટર એસોસિએશન, બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર એસોસિએશન,આર.બી.સી.એ. સહિતના સંગઠનો આ રેલીમાં મોટી સંખ્યામાં જોડાશે.