1 ફેબ્રુઆરીએ રજૂ થઈ શકે છે બજેટ : રવિવાર, શેરબજારમાં રજા અને ગુરુ રવિદાસ જયંતિ હોવા છતાં સરકાર એ જ દિવસે બજેટ રજૂ કરવા મક્કમ
કેન્દ્ર સરકારનું બજેટ રજૂ કરવાની તારીખ 1 ફેબ્રુઆરી છે પરંતુ આ વખતે 1 ફેબ્રુઆરીએ રવિવાર છે, શેરબજારમાં પણ રજા હોય છે અને રવિદાસ જયંતિની ગેઝેટેડ રજા પણ છે તેથી આ દિવસે બજેટ રજૂ કરવું કે કેમ તે અંગે અસમંજસ છે. જો કે, કેન્દ્ર સરકાર પરંપરા તોડ્યા વગર 1 ફેબ્રુઆરીએ જ બજેટ રજૂ કરવાના મતમાં છે. આજે દિલ્હીમાં મળનારી કેબિનેટની સંસદીય બાબતોની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.
ટોચના સરકારી સૂત્રોએ સંકેત આપ્યો છે કે બજેટ 1 ફેબ્રુઆરીએ જ રજૂ કરવામાં આવશે, કારણ કે સરકાર નથી ઈચ્છતી કે પરંપરા બદલાય. જોકે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં કેબિનેટની સંસદીય બાબતોની સમિતિ આ બાબતે નિર્ણય લેશે. 2017 પછી આ પહેલી વાર છે કે 1 ફેબ્રુઆરી રવિવારે છે.
આ પણ વાંચો :T20 વર્લ્ડ કપ માટે ભારત આવવું જ પડશે, નહીંતર… ICC એ બાંગ્લાદેશની માગણી ફગાવી, આ શરત નહીં માને તો થશે મોટું નુકસાન
સૂત્રોના જણાવ્યા અનુસાર, સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે શરૂ થઈ શકે છે. આર્થિક સર્વે 29 જાન્યુઆરીએ રજૂ થઈ શકે છે. 30 અને 31 જાન્યુઆરીએ રજા રહેશે અને સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરી, રવિવારના રોજ રજૂ થઈ શકે છે. બજેટ સત્રનો પહેલો ભાગ ત્રણ અઠવાડિયા સુધી ચાલવાની ધારણા છે. પહેલા ભાગમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા થશે, જેનો વડા પ્રધાન નરેન્દ્ર મોદી જવાબ આપશે. આ પછી સામાન્ય બજેટ પર ચર્ચા અને નાણાં બિલ રજૂ કરવામાં આવશે. બીજો ભાગ ચાર અઠવાડિયા સુધી ચાલશે, તેમાં કેટલાક મહત્વપૂર્ણ સરકારી બિલો અને ગ્રાન્ટની માંગણીઓ પર ચર્ચા થશે.
