ભાઈજાનની સુરક્ષામાં ચૂક! બે દિવસમાં બે અજાણ્યા લોકો સલમાન ખાનના ઘરમાં ઘૂસ્યા, પોલીસે કરી ધરપકડ
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી છે. બે દિવસમાં બે અજાણ્યા લોકોએ સલમાન ખાનના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો છે. આ પહેલા 20 મેના રોજ એક વ્યક્તિએ સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, જેને સુરક્ષા ગાર્ડ્સે પકડી લીધો હતો અને પોલીસને સોંપી દીધો હતો. બીજા દિવસે, એટલે કે 21 મેની રાત્રે, એક મહિલાએ પણ સલમાનના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. ગુરુવારે સવારે મુંબઈ પોલીસે તેની ધરપકડ કરી. ત્યારે ચાલો જાણીએ શું છે સમગ્ર માહિતી
લોરેન્સ બિશ્નોઈ દ્વારા આપવામાં આવેલી ધમકી બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સલમાન ખાનને બિશ્નોઈ ગેંગ તરફથી જીવનું જોખમ છે. આને ધ્યાનમાં રાખીને, સલમાનની સુરક્ષા ખૂબ જ કડક છે. પર્સનલ બોડી ગાર્ડ ઉપરાંત, મુંબઈ પોલીસે અભિનેતાને Y+ સિક્યોરીટી પણ આપી છે. ત્યારે સલમાન ખાનની સુરક્ષામાં ચૂક થઈ હોવાનું સામે આવ્યું છે. મંગળવારે તે વ્યક્તિએ પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો સૌ પ્રથમ, મંગળવારે, એક વ્યક્તિએ સલમાન ખાનની સુરક્ષાને અવગણીને તેના ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. આ યુવક કારની પાછળ છુપાઈને સલમાનના બિલ્ડિંગમાં પ્રવેશવામાં પણ સફળ રહ્યો. જોકે, સુરક્ષા ગાર્ડ્સે તેને પકડી લીધો અને પોલીસને સોંપી દીધો. યુવકનું નામ જીતેન્દ્ર કુમાર સિંહ છે, જે છત્તીસગઢનો રહેવાસી હોવાનું કહેવાય છે.
મહિલા લિફ્ટ દ્વારા સલમાનના ફ્લેટ પહોંચી
આ પછી બુધવારે રાત્રે એક અજાણી મહિલાએ પણ સલમાનના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, ઈશા છાબરા નામની એક મહિલાએ રાત્રે લગભગ 3.30 વાગ્યે સલમાનના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે મહિલા બિલ્ડિંગની લિફ્ટ દ્વારા સીધી સલમાનના ફ્લેટમાં પહોંચી હતી. જ્યાં ગેલેક્સી એપાર્ટમેન્ટના સુરક્ષા ગાર્ડ્સે મહિલાને પકડીને બાંદ્રા પોલીસને સોંપી દીધી. આ પછી, સુરક્ષા ગાર્ડની ફરિયાદ પર, બાંદ્રા પોલીસે મહિલા વિરુદ્ધ કેસ નોંધ્યો અને ગુરુવારે સવારે તેની ધરપકડ કરી.
મુંબઈ પોલીસે બંને ઘટનાઓની પુષ્ટિ કરી
મુંબઈ પોલીસે આ બંને ઘટનાઓની પુષ્ટિ કરી છે. મુંબઈ પોલીસના ડીસીપીના જણાવ્યા અનુસાર, યુવકે મંગળવારે સાંજે સલમાનના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે મહિલાએ બુધવારે રાત્રે તેમ કરવાનો પ્રયાસ કર્યો હતો. હવે પોલીસ બંનેની પૂછપરછ કરી રહી છે અને જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું તેમની વચ્ચે કોઈ સંબંધ છે?