બૂમ બૂમ બુમરાહ… જસપ્રીત બુમરાહ બન્યો ‘ટેસ્ટ કિંગ’ : ICC ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો
ભારતીય ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહને 2024ના શ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઉપરાંત, ઇંગ્લેન્ડના અનુભવી બેટ્સમેન જો રૂટ, ઇંગ્લેન્ડના યુવા બેટ્સમેન હેરી બ્રુક અને શ્રીલંકાના કમિન્ડુ મેન્ડિસને પણ આ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા, પરંતુ બુમરાહે તે બધાને હરાવીને એવોર્ડ જીત્યો.
જસપ્રીત બુમરાહે 2024 માં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લીધી હતી. બુમરાહે આ વર્ષે કુલ ૧૩ ટેસ્ટ મેચ રમી, જેમાં તેણે 14.92ની રનરેટથી ૭૧ વિકેટ લીધી. બુમરાહ 2024-25માં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 32 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો.
ઘરેલુ અને વિદેશના મેદાનો પર અદ્ભુત પ્રદર્શન
આ પ્રદર્શનના આધારે, ICC એ બુમરાહને મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કર્યો. બુમરાહે ઘરઆંગણે અને વિરોધી ટીમ બંનેના મેદાન પર પોતાને સાબિત કર્યું છે. આ જમણા હાથના ઝડપી બોલરે ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
'Game Changer' Jasprit Bumrah is awarded the ICC Men's Test Cricketer of the Year 2024 🥁🥁
— BCCI (@BCCI) January 27, 2025
Bumrah took 71 wickets at a stunning average of 14.92, finishing as the highest wicket taker in Test cricket in 2024.#TeamIndia | @Jaspritbumrah93 pic.twitter.com/WHUciUK2Qb
આ ઉપરાંત, તેણે વિદેશી ધરતી પર દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે, ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર શ્રેણી જીતી શકી ન હતી. પરંતુ બુમરાહે આ 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ 32 વિકેટ લીધી.
બુમરાહે ઇતિહાસ રચ્યો, છઠ્ઠો ભારતીય બન્યો
બુમરાહ આ સિદ્ધિ મેળવનાર એટલે કે ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ થનાર છઠ્ઠો ભારતીય ક્રિકેટર બન્યો છે. તેમના પહેલા રાહુલ દ્રવિડ (2004), ગૌતમ ગંભીર (2009), વીરેન્દ્ર સેહવાગ (2010), રવિચંદ્રન અશ્વિન (2016) અને વિરાટ કોહલી (2018) આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
આ રીતે, 6 વર્ષ પછી, આ પુરસ્કાર ફરી એકવાર દેશમાં પાછો આવ્યો છે. કોહલીએ છેલ્લે 2018 માં આ ખિતાબ જીત્યો હતો. બુમરાહને આ સન્માન મળતાં ભારતે ઓસ્ટ્રેલિયાની બરાબરી કરી લીધી છે. બંને દેશોએ આ પુરસ્કાર 6-6 વખત જીત્યો છે. ઉપરાંત, કાંગારૂ બેટ્સમેન સ્ટીવ સ્મિથ (૨૦૧૫, ૨૦૧૭) એકમાત્ર ક્રિકેટર છે જેણે પોતાની કારકિર્દીમાં બે વાર આ ખિતાબ જીત્યો છે.