ભાજપના ફાયર બ્રાન્ડ મહિલા નેતા નવનીત રાણાની સભામાં ભારે ધમાલ
મહારાષ્ટ્રમાં પ્રચારના અંતિમ ચરણમાં બબાલ
મહારાષ્ટ્રના અમરાવતીમાં ભાજપના ફાયર બ્રાન્ડ મહિલા નેતા નવનીત રાણાની સભામાં ભારે ધાંધલ ધમાલ થઈ હતી.નવનીત રાણા એ તેમની પર હુમલો થયો હોવાનો અને એ ઘટના દરમિયાન અલ્લાહુ અકબરના નારા લાગ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.આ ઘટના બાદ ભારે તંગદિલી ફેલાઈ હતી.પોલીસે મામલો થાળે પડી ગયો હોવાનું જણાવી લોકોને અફવાઓ ન માનવા અપીલ કરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ શનિવારે રાત્રે નવનીત રાણા ખલર ગામમાં ચૂંટણી સભા સંબોધી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.તેમના કહેવા મુજબ સભા ચાલુ હતી ત્યારે કેટલાક લોકોએ અલ્લાહુ અકબરના નારા શરૂ કરતાં ભાજપના કાર્યકરોએ તેમને સભામાં ખલેલ ન પહોંચાડવા અનુરોધ કર્યો હતો.એ પછી સભામાં ખુરશીઓ ઊછળી હતી.ટોળાએ નવનીત રાણા ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરતાં ભાજપના કાર્યકરો અને સુરક્ષા કર્મચારીઓ તેમને ઘેરી લીધા હતા.એ ધમાલ વખતે તેમના ઉપર થુંકવામાં આવ્યું હોવાનો અને થુંક સુરક્ષા કર્મચારીના વસ્ત્ર ઉપર પડ્યું હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.
બનાવ બાદ નવનીત રાણા પોલીસ મથકે પહોંચ્યા હતા અને હુમલાખોરો સામે ફરિયાદ નોંધવાની માંગણી કરી હતી.બનાવ અંગે ફરિયાદ નોંધવામાં એવી હોવાનું અમરાવતી ગ્રામ્યના ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેકટર કિરણ વાનખેડેએ જણાવ્યું હતું.બનાવ બાદ વાતાવરણ તંગ બનતા એ ગામમાં ચેકપોઈન્ટ ઊભું કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે નવનીત રાણા કટ્ટર હિંદુવાદી ભાષણો માટે પ્રખ્યાત છે.મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી હતા ત્યારે તેમના નિવાસસ્થાન માતોશ્રી સામે હનુમાન ચાલીસાના પાઠ કરવા બદલ તેમની સામે ગુનો નોંધાયો હતો.લોકસભાની ચૂંટણી સમયે હૈદરાબાદની બેઠક પર ભાજપના ઉમેદવારની ચૂંટણી સભામાં તેમણે કરેલું ભાષણ પણ વિવાદાસ્પદ બન્યું હતું.