અમિત શાહને બચાવવાનું ભાજપનું કાવતરું; પ્રિયંકા ગાંધી
સંસદમાં થયેલી ધક્કામુક્કી કાંડ પર વાયનાડથી લોકસભા સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ વળતો પ્રહાર કર્યો હતો. પ્રિયંકાએ કહ્યું કે, ‘આ અમિત શાહને બચાવવાનું કાવતરું છે. શાહની વાતોમાં અસલી ભાવના નીકળી ગઈ. હું ભાજપના સાંસદને ચેલેન્જ આપું છું કે, અહીં ઊભા રહીને જય ભીમ બોલે.
સંસદમાં થયેલી ધક્કામુક્કી પર પત્રકારો સાથે વાત કરતાં પ્રિયંકા ગાંધીએ કહ્યું, ‘કેટલાં દિવસથી વિપક્ષ શાંતિથી વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે, પરંતુ ગુરુવારે પહેલીવાર ભાજપે પ્રદર્શન કર્યું અને બધાને રોકી દીધા, ત્યારબાદ ધક્કામુક્કી અને ગુંડાગર્દી. હવે ફક્ત અમિત શાહને બચાવવાનું કાવતરું શરુ કરી દીધું છે કે, રાહુલે કોઈને ધક્કો માર્યો. મારી આંખો સામે ખડગેજીને ધક્કો મારીને જમીન પર પાડી દેવામાં આવ્યા.
ત્યારબાદ સીપીએમના સાંસદને ધક્કો મારવામાં આવ્યો, તેઓ ખડગેજી પર પડ્યા. મને લાગ્યું પગ તૂટી ગયો હશે કે કંઈક થયું હશે. ચહેરાથી લાગી રહ્યું હતું કે, ઈજા થઈ છે. ત્યારબાદ અમે તેમના માટે ખુરશી શોધીને લાવ્યા.