ભાજપે અમારા 16 ઉમેદવારોને 15 કરોડ અને મંત્રી પદની ઓફર કરી છે
દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું આજે, આઠમી તારીખે પરિણામ આવવાનું છે તે પહેલા પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના સોળ ઉમેદવારોને ભાજપે પરિણામ બાદ પક્ષ પલટો કરવા માટે 15 કરોડ રૂપિયાની ઓફર કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. ભાજપે એ આક્ષેપ નકારી અને આવા ખોટા દાવા બદલ કાયદાકીય પગલા લેવાની ચેતવણી આપી હતી.

અરવિંદ કેજરી વાલે કહ્યું કે છેલ્લી બે કલાકમાં
આમ આદમી પાર્ટીના સોળ ઉમેદવારોને ફોન આવ્યા છે. તેમાં આમ આદમી પાર્ટીને તિલાંજલિ આપી અને ભાજપમાં જોડાઈ જવા બદલ 15 કરોડ તથા મંત્રી પદ આપવાની ઓફર કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે કેટલાક સર્વેમાં તો ભાજપનો 55 બેઠક ઉપર વિજય દર્શાવવામાં આવ્યો છે તો પછી ભાજપે આ કરવાની જરૂર શા માટે પડી? તેમણે કહ્યું કે આ ખોટા સર્વે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ભ્રમણામાં મુકવા માટે જ જાહેર કરવામાં આવ્યા હતા. તેમણે ઉમેર્યું કે ભાજપ ગમે તેટલા કાવાદાવા કરે પણ આમ આદમી પાર્ટીનો એક પણ ઉમેદવાર ઝુકશે નહી.
દિલ્હીના મંત્રી અને આમ આદમી પાર્ટીના સુલતાનપુર માજરા બેઠકના ઉમેદવાર મુકેશ અગ્રવાલે પણ
તેમને ફોન આવ્યો હોવાનું જણાવ્યું હતું. ફોનમાં એવું જણાવવામાં આવ્યું હતું કે ભાજપની સરકાર બની રહી છે. મુકેશ અગ્રવાલે તેમને પણ 15 કરોડ અને મંત્રી પદની ઓફર કરવામાં આવ્યો હોવાનો
દાવો કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પ્રત્યેની મારી સન્માનની લાગણીને કારણે હું મૃત્યુ સુધી કદી પાર્ટી નહીં છોડુ.
તેમની એ પોસ્ટ શેર કરી દિલ્હીના મુખ્યમંત્રી અતિષીએ કહ્યું કે ભાજપના આ પ્રયત્નો જ દેખાડે છે કે પરિણામ પહેલા જ ભાજપે હાર સ્વીકારી લીધી છે.
આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંઘે પણ આક્ષેપો દોહરાવ્યા હતા. ભાજપે કે જો કે આક્ષેપોને વાહિયાત ગણાવ્યા હતા.
દિલ્હી ભાજપના પ્રમુખ વીરેન્દ્ર સચદેવે કહ્યું કે આવા બોગસ આક્ષેપો આમ આદમી પાર્ટીની હતાશા દેખાડે છે. કેજરીવાલને તેમની નજર સામે પરાજય દેખાઈ રહ્યો છે. તેમણે સંજય સિંઘને આ આક્ષેપ પરત ખેંચવા અને માફી માગવા અનુરોધ કર્યો હતો અને નહિતર બદનક્ષીના કેસ માટે તૈયાર રહેવાની ચેતવણી આપી હતી. અત્રે નોંધનીય છે કે દિલ્હીની ગાદી માટે થયેલા રસાકસી જંગ બાદ બધા સર્વેમાં ભારતીય જનતા પક્ષને બહુમતી આપવામાં આવી છે. આમ આદમી પાર્ટી આ સર્વેને ખોટા ગણાવી રહી છે. બીજી તરફ આમ આદમી પાર્ટીને કદાચ પાંખી બહુમતી મળે તો એ સંજોગોમાં હોર્સ ટ્રેડિંગ થવાની સંભાવના રાજકીય વિશ્લેષકો દર્શાવી રહ્યા છે. ભાજપના આ કથિત ‘ ઓપરેશન કમલમ ‘ વચ્ચે અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના મુખ્યમંત્રી અતિષી ની ઉપસ્થિતિમાં
આમ આદમી પાર્ટીના તમામ 70 ઉમેદવારોની બેઠક બોલાવવામાં આવી હતી.
કેજરીવાલના આક્ષેપની એસીબી તપાસ કરશે
કેજરી વાલે કરેલા આક્ષેપો સદંતર ખોટા હોવાનું જણાવી દિલ્હી ભાજપે દિલ્હીના ઉપ રાજ્યપાલ વીકે સકસેનાને પત્ર લખ્યો હતો અને એસીબી દ્વારા કેજરીવાલ અને સંજય સિંહ સામે કેસ દાખલ કરવાની માગણી કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર એ પત્રના અનુસંધાને ઉપ રાજ્યપાલે એસીબીને તપાસનો આદેશ આપ્યો હતો. બીજી તરફ સંજય સિંઘે કહ્યું કે ભાજપ નાટક કરી રહ્યું છે. હું પણ આ મુદ્દે ફરિયાદ કરવા એસીબી કાર્યાલય જઈ રહ્યો છું અને એસીબીએ મારી ફરિયાદ પણ નોંધવી જોઈએ.