ભાજપે 37 સાંસદોની ટિકિટ કાપી..વાંચો
બિહાર યુપી પોલીસમાં મોટા માથા કપાયા
અનેક કેન્દ્રીય મંત્રીઓ પણ યાદી માંથી ગાયબ
2024મી લોકસભાની ચૂંટણી માટે ભાજપે 402 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. એકલે હાથે 370 બેઠકો પર વિજય મેળવવાનું લક્ષ્ય હાસિલ કરવા માટે ભાજપે જ્ઞાતિ સમીકરણો ઉપરાંત વિજય બની શકે તેવા ઉમેદવારોને જ પસંદ કરવાની રણનીતિ અપનાવી છે. ભાજપે 37 વર્તમાન સાંસદોને પડતા મૂક્યા છે જેમાં અનેક કેન્દ્રીય મંત્રીઓનો પણ સમાવેશ થાય છે. યુપી જેવા મહત્વના રાજ્યમાં પણ ભાજપે અનેક મોટા ગજાના નેતાઓને રીપીટ કરવાનું માંડી વાર્તા ભારે આશ્ચર્ય સર્જાયું છે. બીજી તરફ રાજકારણ સાથે ઝાઝી લેવા દેવા ન હોય તેવી અનેક સેલિબ્રિટીઝને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે. કેરલ કે જ્યાં ભાજપનું ખાસ અસ્તિત્વ નથી ત્યાં વાયનાડની બેઠક પર રાહુલ ગાંધીને પડકારવા માટે કેરલ ભાજપના ટોચના નેતા કે સુંદરનને ટિકિટ આપવામાં આવી છે. તો વેસ્ટ બંગાળમાં પણ ભાજપે અનેક નવા ચહેરાને સ્થાન આપી ટીએમસી સામે ગંભીર પડકાર ઉભો કર્યો છે.
ઉત્તર પ્રદેશમાં વી કે સિંઘ કપાયા વરુણ ગાંધી પણ બાકાત
ભાજપે બહાર પાડેલી છેલ્લી યાદી ઉત્તર પ્રદેશમાં સાત વર્તમાન સાંસદોને બાકાત રાખવામાં આવ્યા છે. ગાઝિયાબાદની બેઠક પર કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંઘ ની ટિકિટ કપાઈ છે. તેઓ છેલ્લી બે ટર્મથી એ બેઠક પરથી ચૂંટાતા આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી મોદી અને ભાજપની વિરુદ્ધ નિવેદનો આપનાર વરુણ ગાંધીને પીલભીત ની બેઠક પરથી પડતા મૂકવામાં આવ્યા છે. ભાજપે બેઠક પર કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરનાર જીતીન પ્રસાદને મેદાનમાં ઉતાર્યા છે. વરુણ ગાંધીના માતા મેનકા ગાંધીને સુલતાનપુર ની બેઠક પરથી રીપીટ કરવામાં આવ્યા છે.
બિહારમાં ચાર સાંસદ બદલાયા મોટા માથા રિપીટ કરાયા
બિહારમાં ચાર વર્તમાન સાંસદોની ટિકિટ કપાઇ છે. ભાજપે રવિશંકર પ્રસાદ, આર કે સિંહ, ગીરીરાજસિંહ,
રામકૃપાલ યાદવ , નિત્યાનંદ રાય, રાજીવ પ્રતાપ રૂડી, સંજય જયસ્વાલ અને રાધા મોહન સિંઘ જેવા મોટા નેતાઓને રીપીટ કર્યા છે. ભાજપે બિહારમાં તેને ફાળે આવનાર તમામ 17 બેઠકો પર ઉમેદવાર જાહેર કરી દીધા છે. બીજી તરફ પૂર્વ કેન્દ્રીય મંત્રી અશ્વિની ચોબેને પડતા મુકાયા છે.
પક્ષપલટુઓને ફટાફટ ટિકિટ મળી ગઈ
પશ્ચિમ બંગાળમાં ટીએમસી માંથી પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયેલા તપસ રોયને કોલકાતા ઉત્તર બેઠકની ટિકિટ આપવામાં આવી છે. એ જ રીતે ટીએમસી છોડી ભગવો ધારણ કરનાર અર્જુનસિંહ ને પણ ભાજપે બહારપૂરની બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા માંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયેલા પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનના સાળી સીતા સોરેન ને ધુમકાની બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. હરિયાણામાં કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાયેલા નવીન જિંદાલને પક્ષ પલટો કર્યા ને થોડી જ કલાકો બાદ ભાજપે કુરુક્ષેત્ર ની બેઠક માટે ટિકિટ આપી હતી. એ જ રીતે હરિયાણાના અપક્ષ મંત્રી રણજીત ચૌટાલા ભાજપમાં ભળીયાએ સાથે જ તેમને હિસારની બેઠક માટે પસંદ કરી લેવામાં આવ્યા હતા.
ઓડિશામાં કેન્દ્રીય મંત્રી સહિત ચાર સાંસદ બદલાયા
ઓડિશામાં ભાજપ અને બીજેડીના સંભવિત ગઠબંધન ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયા બાદ ભાજપે તમામ 21 બેઠકો માટે ઉમેદવાર જાહેર કરી દીધા છે. કેન્દ્રીય મંત્રી વિશ્વેશ્વર ટુડુ ની ટિકિટ કપાઇ છે. તો કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાને પુરીની બેઠક માટે ટિકિટ આપવામાં આવી છે.
બંગાળમાં રાજમાતા મેદાનમાં અનેક બેઠકો પર રસપ્રદ જંગ
પશ્ચિમ બંગાળમાં ભાજપે ક્રિષ્નાનગરના રાજમાતા અમૃતા રોય ને ટીએમસી ના લડાયક મહિલા નેતા મહુવઆ મોઇત્રા સામે મેદાનમાં ઉતારતા એ બેઠકનો જંગ રસપ્રદ બની ગયો છે. હાઇકોર્ટ માંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયેલા જજ અભિજીત ગંગોપાધ્યાયને તામલુક બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. બહુચર્ચીત સંદેશખાલી પ્રકરણન પીડીતા રેખા પાત્રાને ભાજપે બસીરહાર બેઠક પર ટિકિટ આપી છે. ફેશન ડિઝાઈનર અગ્નિમિત્રા પોલ પણ ભાજપના ઉમેદવાર છે.