ભાજપ એકલા હાથે 320 બેઠકો મેળવશે
અગ્રણી કેપિટલ માર્કેટ કંપનીએ અનુમાન રજૂ કર્યું
યુપીમાં બેઠકો વધવાની સંભાવના: દક્ષિણના રાજ્યોમાં પણ ભાજપને ફાયદો: 11 રાજ્યોમાં સ્થિતિ યથાવત
લોકસભાની અંતિમ ચરણની 57 બેઠકો માટે 1 જૂનના રોજ મતદાન થશે.સપાટી ઉપરના કોઈ પણ મોજાના અભાવ વચ્ચેની આ ચૂંટણીના પરિણામો અંગે ભારે ઉત્તેજના પ્રવર્તે છે.મોટા ભાગના રાજકીય વિશ્લેષકો અને અભ્યાસુઓ માને છે કે બહુમતી તો ભાજપ અને એનડીએ ને જ મળશે.જો કે ભાજપ ગત સમયની 303 બેઠકો જાળવી શકશે કે કેમ તે અંગે મતમતાંતર છે.ભાજપે તો એકલા હાથે 370 મેળવવાનો અને એનડીએ 400 પાર જશે એવો દાવો કર્યો છે.બીજી તરફ અનેક રાજ્યોમાં સ્થાનિક પરિબળો અને કોંગ્રેસ તથા સમાજવાદી પક્ષ અને આરજેડી જેવા ઈન્ડીયા ગઠબંધનના સાથી પક્ષોએ પડકાર ઊભો કર્યો હોવાનું પણ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.ખાસ કરીને ઉતર પ્રદેશ,બિહાર અને મહારાષ્ટ્ર માં ભાજપ/એનડીએ સામે ઈન્ડીયા ગઠબંધન તાકાતભેર લડી રહ્યું હોવાનું ચિત્ર ઉપસ્યું છે.સ્ટોક માર્કેટને પણ પરિણામોની પ્રતીક્ષા છે ત્યારે દેશની અગ્રગણ્ય કેપિટલ માર્કેટ કંપની IIFL એ શેરબજારમાં તેજીના સંકેત આપતું અનુમાન રજૂ કર્યું છે.એ કંપનીના જણાવ્યા અનુસાર ભાજપની બેઠકો ઘટવાની વાત તો જવા દયો ઉલ્ટાની ભાજપને ગત ચૂંટણી કરતાં 17 વધુ બેઠકો મળશે.ભાજપ એકલા હાથે 320 બેઠકો ઉપર વિજય મેળવશે એવું અનુમાન આ કંપનીએ રજૂ કર્યું છે.એ અહેવાલમાં જણાવ્યા અનુસાર ગત ચૂંટણી કરતાં ભાજપને ઉતર પ્રદેશમાં 10 અને ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં પાંચ પાંચ વધારે બેઠકો મળી શકે છે.દક્ષિણના રાજ્યોમાં આંધ્ર પ્રદેશ,તામિલનાડુ અને તેલંગણામાં ભાજપની બેઠકો ગત ચૂંટણીમાં વધશે એવી ધારણા વ્યક્ત કરવામાં આવી છે.