બિલ ગેટ્સે ભારત વિશે કરી કોમેન્ટ, કહ્યું “ભારત વસ્તુઓ અજમાવવાની પ્રયોગશાળા છે” સોશિયલ મીડિયામાં થયા ટ્રોલ
માઈક્રોસોફ્ટના સીઈઓ અને દિગ્ગજ ઉદ્યોગપતિ બિલ ગેટ્સે ભારતને એવી પ્રયોગશાળા ગણાવી છે જ્યાં કંઈપણ અજમાવી શકાય છે. અમેરિકન ઉદ્યોગ સાહસિક રીડ હોફમેનના પોડકાસ્ટમાં ગેટ્સે કહ્યું કે ભારતમાં તમે કંઈપણ ટ્રાયલ કરી શકો છો. ગેટ્સ તાજેતરમાં ભારતની મુલાકાતે હતા અને તેમણે દેશમાં આરોગ્ય, પોષણ અને શિક્ષણના ક્ષેત્રોમાં થયેલા ફેરફારોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે છેલ્લા 20 વર્ષમાં ભારતમાં ઘણું બદલાઈ ગયું છે. સોશ્યલ મીડિયા પર એમની ટીકા થઈ રહી છે. જો કે ગેટ્સ કહે છે કે મારા શબ્દોનો જુદો અર્થ કઢાયો છે. મે ટીકા કરી નથી.
બિલ ગેટ્સે પોડકાસ્ટમાં કહ્યું, ‘ભારત એક એવા દેશનું ઉદાહરણ છે જ્યાં ઘણી મુશ્કેલ વસ્તુઓ છે. આરોગ્ય, પોષણ, શિક્ષણ, પરંતુ આ બધામાં સુધારો દેખાય છે. છેલ્લા એક વર્ષમાં અહીંના લોકો વધુ સારું જીવન જીવવા લાગ્યા છે.
અહીંની સરકાર પોતાની આવક ઊભી કરી રહી છે અને લોકોના સારા જીવન માટે ખર્ચ કરી રહી છે. આ એક પ્રકારની લેબ છે, જો તમે અહીં સફળ થશો તો વિશ્વના અન્ય ભાગોમાં પણ સફળ થશો. આ જ કારણ છે કે અમેરિકાની બહાર અમારા ફાઉન્ડેશનની સૌથી મોટી ઓફિસ ભારતમાં ખોલવામાં આવી છે.
ગેટ્સે ભારતના વખાણ કર્યા હતા
બિલ ગેટ્સે ભારતને વાઇબ્રન્ટ દેશ ગણાવ્યો, પછી ભલે તે ગમે તેટલા પડકારોનો સામનો કરી રહ્યો હોય. તેમણે કહ્યું કે જો તમે ત્યાં જશો, તો તમે જોશો કે તે એક અવ્યવસ્થિત દેશ છે, જ્યાં તમને રસ્તાઓ પર એવા લોકો દેખાશે જેઓ યોગ્ય જીવન જીવવા માટે પૂરતા પૈસા કમાતા નથી. આમ છતાં તમને અહીં ઉત્સાહ જોવા મળશે.
ગેટ્સ નેટીઝન્સના નિશાને આવ્યા
બિલ ગેટ્સનું આ પોડકાસ્ટ રિલીઝ થયા બાદ તેની ઘણી ટીકા થઈ રહી છે. ટીકાકારો કહે છે કે ભારતીય ભૂમિને વૈશ્વિક પ્રયોગો માટેનું સ્થળ તરીકે વર્ણવવું યોગ્ય નથી. જો કે કેટલાક લોકોએ ભારતને ઉત્સાહી દેશ ગણાવતા બિલ ગેટ્સની પ્રશંસા પણ કરી છે. તેમનું કહેવું છે કે ગેટ્સે ભારતના વિકાસની ગતિની પ્રશંસા કરી છે અને તેથી તેમના ઈરાદાઓ પર ધ્યાન આપવું જોઈએ નહીં કે શબ્દો પર.