નેપાળમાં મોટી દુર્ઘટના : પોખરાથી કાઠમાંડુ જઈ રહેલી ભારતીય બસ નદીમાં ખાબકતા 14 લોકોના મોત
નેપાળમાં અકસ્માતની ઘટના સામે આવી જેમાં તનાહુન જિલ્લાના અબુખૈરેની વિસ્તારમાં એક ભારતીય પેસેન્જર બસ મર્સ્યાંગડી નદીમાં ખાબકતા ૧૪ લોકોના મોત નીપજ્યા છે. નેપાળ પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે. જિલ્લા પોલીસ કાર્યાલય તનહુનના ડીએસપી દીપકુમાર રાયે માહિતી આપી હતી કે નંબર પ્લેટ UP FT 7623 વાળી બસ નદીમાં પડી હતી અને હવે નદી કિનારે પડી છે.
દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરીમાં 14 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને 16 ઘાયલ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ બસ પોખરાના માઝેરી રિસોર્ટમાં રોકાયેલા ભારતીય મુસાફરોને લઈને કાઠમંડુ જવા રવાના થઈ હતી. અકસ્માત સમયે બસમાં ભારતીય મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા.
ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા
સ્થાનિક પોલીસ અને બચાવ ટુકડીએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્ય શરૂ કર્યું અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં મોકલ્યા. પ્રાથમિક અહેવાલો અનુસાર બસ નદીમાં પડવા પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વહીવટી તંત્રએ તમામ જરૂરી પગલાં લીધા છે અને રાહત કાર્યને પ્રાથમિકતા આપી છે.
આ દુ:ખદ ઘટનાથી સ્થાનિક સમુદાય અને મુસાફરોમાં ચિંતા અને શોકનું મોજુ ફરી વળ્યું છે. વહીવટીતંત્ર અને બચાવ ટુકડીઓ આ દુર્ઘટનાના તમામ સંજોગોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
ગોરખપુરમાં બસ રજીસ્ટર
તનાહુનના ડીએસપી દીપકુમાર રાયાએ જણાવ્યું કે બસનો નંબર UP-53 FT 7623 છે. તે ગોરખપુરના ધર્મશાલા બજાર વિસ્તારના રહેવાસી સૌરભ કેસરવાણીની પત્ની શાલિની કેસરવાણીના નામે નોંધાયેલ છે. યુપી સરકારના ડિઝાસ્ટર રિલીફ કમિશનરે કહ્યું- નેપાળના અધિકારીઓનો સંપર્ક કરીને માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.