નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગ બાદ મોટો નિર્ણય : આ તારીખ સુધી પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર શનિવારે રાત્રે થયેલી ભાગદોડની ઘટના બાદ, રેલ્વેએ સુરક્ષાને લઈને અનેક પગલાં લીધા છે. રેલવેએ નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો છે. પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ 26 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. તેમજ, ભાગદોડની ઘટના માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
રેલ્વે સ્ટેશન પર અધિકારીઓને તહેનાત કર્યા
અહેવાલો અનુસાર, દિલ્હી પોલીસે રેલ્વે સ્ટેશન પર ભીડ વ્યવસ્થાપન માટે છ ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારીઓને તહેનાત કર્યા હતા. આ તે અધિકારી છે જેમને પહેલાથી જ NDLSમાં કામ કરવાનો અનુભવ છે. આમાંથી કેટલાક અધિકારીઓ નવી દિલ્હી રેલ્વે પોલીસ સ્ટેશનમાં SHOનું પદ સંભાળી ચૂક્યા છે.
નાસભાગ કેવી રીતે થઈ ?
નવી દિલ્હી રેલ્વેએ કુંભ માટે ખાસ ટ્રેનની જાહેરાત કરી હતી, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. જ્યારે રેલ્વેએ ભારે ટિકિટ વેચાણ થતાં, તેમણે ખાસ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો, પરંતુ ભીડને સંભાળવા માટે પૂરતી વ્યવસ્થા નહોતી.આ મામલે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સ્ટેશન પર ભીડ વ્યવસ્થાપનની કોઈ વ્યવસ્થા નહોતી. ટિકિટ વિના સ્ટેશનમાં પ્રવેશતા મુસાફરોને રોકવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો ન હતો. ઉપરાંત, સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરવામાં સાવધાની રાખવામાં આવી ન હતી. આ કારણે નાસભાગ મચી ગઈ.

રેલ્વેએ અચાનક સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરી
પ્રયાગરાજ કુંભ જતી ટ્રેન પ્લેટફોર્મ નંબર 14 પર રાહ જોઈ રહી હતી. આ દરમિયાન ત્યાં પહેલેથી જ મોટી ભીડ હાજર હતી, અને અન્ય મુસાફરો પણ ત્યાં પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
રેલ્વેએ અચાનક પ્લેટફોર્મ નંબર 16 પરથી એક ખાસ ટ્રેનની જાહેરાત કરી. જે મુસાફરો પહેલાથી જ પ્લેટફોર્મ 14 પર જવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેઓ હવે પ્લેટફોર્મ 16 તરફ પણ દોડવા લાગ્યા, જેના કારણે અફરાતફરી સર્જાઈ હતી. ભીડ બેકાબૂ થઈ ગઈ અને લોકો એકબીજા પર પડવા લાગ્યા. આ નાસભાગનું કારણ બન્યું હતું.