મુંબઈમાં ચાર જાહેરસભાને સંબોધી ભાજપનો પ્રચાર કરતા ભુપેન્દ્ર પટેલ
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે મુંબઈના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અંતર્ગત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે મુંબઈમાં તેમના પ્રવાસ દરમિયાન એક જ દિવસમાં ચાર જનસભાને સંબોધી હતી.
અંધેરી પૂર્વ વિધાનસભાના મહાયુતિ ઉમેદવાર મૂરજી પટેલના સમર્થનમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જનસભાને સંબોધી હતી. તેમણે મહાયુતિના ઉમેદવારને મોટી લીડ સાથે જિતાડવાની અપીલ કરી હતી. જનસભાને સંબોધતા તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનનાં નેતૃત્વમાં આજે દુનિયા ભારત સામે જોઈ રહી છે. આજે દરેકે દરેક ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યું છે.
સાથે તેમણે મેડ ઇન ઇન્ડિયા મિશનની સિદ્ધિઓની વાત કરતાં કહ્યું હતું કે આજે ભારત દેશ સિવાય બીજા દેશોને પણ મેડ ઇન ઇન્ડિયા પર ભરોસો પડ્યો છે અને વિદેશના લોકો ભારતીય ઉત્પાદનો ખરીદતા થયા છે. તેમણે કહ્યું હતું કે આ બદલાવનો સૌથી વધારે લાભ મહારાષ્ટ્રને મળ્યો છે.
સાથે જ તેમણે કહ્યું હતું કે ઉદ્યોગોના વિકાસ સાથે પર્યાવરણનું જતન થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પેડ માં કે નામ અભિયાન શરૂ કરાવ્યું છે. આ અભિયાન ગ્લોબલ વોર્મિગ સામેની લડાઇ માટે ખૂબ મોટું જન અભિયાન બન્યું છે. પાણી બચાવવાના તેમના વિઝનથી દેશમાં કેચ ધ રેન અભિયાન અને અમૃતસરોવરોના નિર્માણ દ્વારા જળ સંચય અભિયાન હાથ ધર્યું છે.
ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે “આઝાદીના 75 વર્ષથી શતાબ્દી સુધીનો અમૃત કાળ જનજન માટે કર્તવ્ય કાળ છે અને આ સમય દેશ માટે જીવવાનો, દેશ માટે ઉપયોગી થવાનો સમય છે. દેશમાં દરેકે દરેક ક્ષેત્ર, દરેક સમૂદાય ગરીબ, યુવા, મહિલા., વેપારીઓ તમામનું ધ્યાન રાખવાની સાથે સાથે સ્વચ્છતા અભિયાન દ્વારા પર્યાવરણનું પણ ધ્યાન રાખ્યું છે. વોટ આપવો આપણો હક છે અને એ હકનો પાકા પાયે ઉપયોગ કરવો જોઈએ.”
