Bhai Dooj 2024 : જાણો શા માટે ઉજવવામાં આવે છે ભાઈબીજનો તહેવાર ?? યમરાજ તેમજ શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી છે કથા
ભાઈબીજના તહેવારનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે.ભાઈબીજનો તહેવાર બહેન અને ભાઈ પ્રત્યે વિશ્વાસ અને પ્રેમનો છે. દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની બીજી તારીખે ભાઈ દૂજનો તહેવાર ઉજવવામાં આવે છે. ભાઈ દૂજ દેશભરમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. આ વર્ષે ભાઈબીજનો તહેવાર 3જી નવેમ્બરે ઉજવવામાં આવશે. આ દિવસ ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ અને સ્નેહનું પ્રતીક માનવામાં આવે છે. ભાઈબીજના દિવસે બહેનો ભાઈના કપાળ પર તિલક કરે છે અને મિઠાઈ ખવડાવીને તેમને નારિયેળ આપે છે.
તમામ જગ્યાએ ભાઈબીજ માટેની અલગ અલગ માન્યતાઓ હોય છે. ઉત્તર ભારતમાં બહેનો ભાઈઓને તિલક અને અક્ષત લગાવીને નારિયેળ ભેટમાં આપે છે. પૂર્વીય ભારતમાં બહેનો શંખનાદ પછી તિલક લગાવીને ભેટ આપે છે. આ દિવસે બહેનો ભાઈઓના દીર્ઘાયુ માટે વ્રત કરે છે અને ભોજન કરાવ્યા પછી વ્રત ખોલે છે.
ભાઈબીજ શા માટે ઊજવવામાં આવે છે ?
ભાઈબીજના દિવસે ભાઈને તિલક કર્યા પછી ભોજન કરાવવાની ધાર્મિક માન્યતા છે. કહેવામાં આવે છે કે, બહેનો આ દિવસે શ્રદ્ધા અને આદરપૂર્વક તિલક તથા ભોજન કરાવે છે. જે ભાઈઓ બહેનના આતિથ્યનો સ્વીકાર કરે છે, તેમની તમામ ઈચ્છા પૂર્ણ થાય છે અને યમરાજનો ભય રહેતો નથી. આ દિવસે બહેનના ઘરે ભાઈ ભોજન કરે તો અકાળ મૃત્યુનું જોખમ દૂર થાય છે. ઉપરાંત સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને ધનની પ્રાપ્તિ થાય છે.
ભાઈબીજની પૌરાણિક કથા
સ્કંદપુરાણ અનુસાર ભગવાન સૂર્ય અને તેમના પત્ની સંજ્ઞાને બે સંતાન (યમરાજ-દીકરો, યમુના-દીકરી) હતા. યમરાજ પાપીઓને દંડ આપતા હતા. યમુના મનથી પવિત્ર હતા અને તે લોકોને દુખી જોઈ શકતા નહોતા, આ કારણોસર તે ગોલોકમાં રહેતા હતા. એક દિવસ યમુનાએ તેના ભાઈ યમરાજને ગોલોકમાં ભોજન માટે આમંત્રણ આપ્યું, તો બહેનના ઘરે જતા પહેલા યમરાજે નરકવાસીઓને મુક્ત કરી દીધા હતા.
બીજી કથા અનુસાર ભગવાન કૃષ્ણએ રાક્ષસ નરકાસુરને હરાવ્યા પછી તેમની બહેન સુભદ્રાને મળવા માટે ગયા હતા. ત્યારથી આ દિવસને ભાઈબીજ તરીકે ઊજવવામાં આવે છે. માનવામાં આવે છે કે, સુભદ્રાની જેમ ભાઈના માથા પર તિલક લગાવીને સત્કાર કરવાથી ભાઈ અને બહેન વચ્ચેનો પ્રેમ ગાઢ થાય છે. આ દિવસે ભાઈ અને બહેને યમુનામાં સ્નાન કરવાની માન્યતા છે. આ દિવસે શ્રદ્ધાપૂર્વક પાપોની માફી માંગવામાં આવે તો યમરાજ ક્ષમા કરી દે છે.