ચેતજો! રાજકોટમાં BLOના નામે નાગરિકોની રેકી : હું ટીપીનો કર્મચારી, ક્લેક્ટરમાંથી આવું છું…IDકાર્ડ માંગતા જ ચાલતી પકડી
રાજકોટ સહિત રાજ્યભરમાં હાલમાં SIR અંતર્ગત મતદારયાદીની ઘનિષ્ઠ સુધારણા ઝુંબેશ ચાલી રહી છે. જેમાં SIR પ્રક્રિયા માટે એન્યુમરેશન ફોર્મ વિતરણ માટે BLO ઘરે-ઘરે જઈ રહ્યા છે ત્યારે કેટલાક નઠારા તત્વો BLO બની નાગરિકોની માહિતી એકત્રિત કરવા પ્રયાસ કરી રહ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો શહેરના જાગનાથ પ્લોટ શેરી-14માં સામે આવ્યો છે. જો કે, જાગૃત નાગરિક અને એડવોકેટ એવા રહેવાસીએ જાગૃત બની આ શંકાસ્પદ BLO પાસે આઈકાર્ડ માંગી તમે ક્યાં ડિપાર્ટમેન્ટના કર્મચારી છો તે સહિતની ડિટેઇલ માંગતા BLO બનીને આવેલ શખ્સ મુઠ્ઠીઓ વાળી નાસી ગયો હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ શહેર જિલ્લાની આઠેય વિધાનસભા વિસ્તારમાં હાલમાં સ્પેશિયલ ઈન્સેન્ટિવ રીવીઝન એટલે કે, SIR કામગીરી અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા બુથ લેવલ ઓફિસરોને દરેક મતદાર સુધી એન્યુમરેશન ફોર્મ વિતરણ કરવાની કામગીરી સોંપવામાં આવી છે. જેમાં શહેરના 69 રાજકોટ મતક્ષેત્ર હેઠળ આવતા જાગનાથ -14માં ગુરુવારે આવકાર એપાર્ટમેન્ટમાં ક્રિષ્ના પાલ નામનો વ્યક્તિ પોતે BLO હોવાની ઓળખ આપી ફ્લેટધારકો પાસે ફોર્મ વિતરણ કરવાની સાથે માહિતી માંગતો હોવાથી એપાર્ટમેન્ટમાં રહેતા જાગૃત નાગરિક અને એડવોકેટ જયેશભાઇ લાખાણીએ BLO બનીને આવેલ વ્યક્તિ પાસે ઓળખપત્ર માંગી તેઓ સરકારના ક્યાં વિભાગમાં ફરજ બજાવે છે તેવો સવાલ પૂછતા આ શખ્સે પોતે ટીપી શાખામાં કામ કરતો હોવાનું જણાવ્યું હતું. જેથી જયેશભાઇ લાખાણીએ હાલમાં ટીપીઓ કોણ છે ? તેવો સવાલ કરતા આ મહાશયે ટીપી શાખામાં કોઈ ટીપીઓ ન હોવાનું કહ્યું હતું.
આ જવાબ સાંભળતા જ જયેશભાઈની શંકા વધુ દ્રઢ બનતા તેમને પહેલા આઈકાર્ડ બતાવો પછી જ એપાર્ટમેન્ટમાં પ્રવેશ કરજો તેવું કહેતા ક્રિષ્ના પાલ નામ જણાવનાર વ્યક્તિએ નીચે પોતાના મોટર સાયકલમાં આઈકાર્ડ પડયું હોવાનું કહી ફેરવી તોડી પોતે એક મહિનાથી ચૂંટણી કામગીરીમાં હોય ટીપી શાખામાં નવા ટીપીઓ કોણ આવ્યા તે અંગે જાણકારી ન હોવાનું ઉમેર્યું હતું. બીજી તરફ આ શખ્સે આઈકાર્ડ બતાવતા તેમાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ અમદાવાદ લખેલું હોવાનું સામે આવતા જયેશભાઈએ આઇકાર્ડનો ફોટો પાડવા પ્રયાસ કરતા આ વ્યક્તિએ ફરી ફેરવી તોડી હાલમાં તે કલેકટર કચેરીમાં કામ કરતો હોવાનું કહી આઇકાર્ડનો ફોટો પાડવા દીધો ન હતો અને મોટર સાયકલ લઈ પોબારા ભણી ગયો હતો. આ તકે જયેશભાઈએ કહ્યું હતું કે, એસઆઇઆર પ્રક્રિયાને નામે લોકોની રેકી માટે નઠારા તત્વો સક્રિય બન્યા હોવાનું આજની ઘટના પરથી લાગી રહ્યું છે. આ સંજોગમાં તમામ નાગરિકોએ જાગૃત બની BLOના ઓળખકાર્ડ જોઈ ખરાઈ કરી બાદમાં જ પોતાની અને ફેમિલિની વિગતો આપવા અનુરોધ પણ કર્યો હતો.
અનેક વિસ્તારમાં BLOને બદલે રાજકીયપક્ષના કાર્યકરો કરે છે ફોર્મ વિતરણ
હાલમાં SIRની કામગીરીમાં દરેક મતદારો સુધી એન્યુમરેશન ફોર્મ એટલે કે, ગણતરી ફોર્મ પહોંચાડવાની જવાબદારી બુથ લેવલ ઓફિસર એટલે કે, BLOને સોંપવામાં આવી હોવા છતાં શહેરના અનેક વિસ્તારમાં એન્યુમરેશન ફોર્મ BLOને બદલે રાજકીય પક્ષના કાર્યકરો વિતરણ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. સાથે જ અનેક વિસ્તારમાં BLOને બદલે ભાડુતી માણસો પણ ફોર્મ વિતરણ કરી રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
લોકોને BLO સાથે સોહાર્દપૂર્ણ વ્યવહાર કરવા ચૂંટણી અધિકારીની અપીલ
રાજકોટ શહેરમાં અનેક જગ્યાએ ખરા BLO સાથે અવ્યવહારુ વર્તન થઇ રહ્યાના બનાવ જિલ્લા ચૂંટણી તંત્ર સુધી પહોંચ્યા છે. અનેક મતદારો BLOને શંકાની દ્રષ્ટિએ જોતા હોવાનું તેમજ તોછડું વર્તન કરતા હોવાના બનાવો વચ્ચે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, તમામ BLOને આઈકાર્ડ આપવામાં આવ્યા છે. સાથે જ BLOને મતદારોને ફોર્મ ભરવામાં મદદરૂપ થવા સૂચના આપી મતદારનું નામ વર્ષ 2002માં ક્યાં ભાગમાં નોંધાયેલ હતું તે સહિતની વિગતો આપવા માટે ખાસ BLO એપ પણ આપવામાં આવી છે ત્યારે મતદારોએ BLOને સહયોગ આપી સોહાર્દપૂર્ણ વ્યવહાર કરવા અનુરોધ કર્યો હતો.
