લોન લેવી હવે વધુ સરળ બનશે !! બેંકો UPIથી પણ આપશે લોન, RBIએ કરી મહત્વની જાહેરાત, જાણો સમગ્ર વિગત
દેશની નાની ફાઇનાન્સ બેંકો માટે સારા સમાચાર છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સ્મોલ ફાઈનાન્સ બેંકોને UPI મારફતે પૂર્વ-મંજૂર લોન ઈશ્યુ કરવાની મંજૂરી આપી છે. UPI એ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ છે, જે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા મોબાઇલ ફોન દ્વારા વ્યવહારો માટે વિકસાવવામાં આવ્યું છે. તે ઇન્સ્ટન્ટ અને રીઅલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ છે, જે વ્યવહારોને સરળ અને ઝડપી બનાવે છે.
સપ્ટેમ્બર 2023માં UPIનો વ્યાપ વિસ્તારવામાં આવ્યો હતો, જે અંતર્ગત UPI દ્વારા પ્રી અપ્રુવડ લોન ઉમેરવામાં આવી હતી. અત્યાર સુધી, વાણિજ્યિક બેંકોને ‘ફંડિંગ’ એકાઉન્ટ તરીકે UPIનો ઉપયોગ કરવાની સુવિધા આપવામાં આવી હતી, જ્યારે પેમેન્ટ બેંકો, સ્મોલ ફાઇનાન્સ બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકોને તેમાંથી બહાર રાખવામાં આવી હતી. પરંતુ શુક્રવારે SBIએ સ્મોલ ફાઇનાન્સ બેંકોને પણ તેમાં સામેલ કરવાની મંજૂરી આપી દીધી છે.
શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, આરબીઆઈએ યુપીઆઈ ક્રેડિટ લાઈન માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. હવે સ્મોલ ફાઈનાન્સ બેન્કોને પણ યુપીઆઈ ક્રેડિટ લાઈન મારફત લોન આપવાની મંજૂરી અપાઈ છે. જેનાથી નાના વેપારીઓ સહિત ઘણાં લોકોને સરળતાથી લોન મળી શકશે.
શું છે યુપીઆઈ ક્રેડિટ લાઈન
યુપીઆઈ ક્રેડિટ લાઈનની શરૂઆત ડિસેમ્બર, 2023માં થઈ હતી. સામાન્ય લોકો સુધી લોન પહોંચાડવાના ઉદ્દેશ સાથે તૈયાર કરાયેલી ફાઈનાન્શિયલ પ્રોડક્ટ છે. જે અંતર્ગત બેન્ક ગ્રાહકને પ્રિ-અપ્રુવ્ડ ક્રેડિટ લાઈન હેઠળ લોન આપે છે. આ લોન યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યુપીઆઈ) મારફતે અપાય છે. પ્રિ-અપ્રૂવ્ડ લિમિટનો આધાર ગ્રાહકના એકાઉન્ટ લિમિટ સાથે જોડાયેલો છે. ગ્રાહકે તેના પર વ્યાજ ચૂકવવાનું રહેશે, જેની ગણતરી બિલિંગ સાયકલના અંતે થશે.
આ રીતે કરી શકાશે ઉપયોગ
યુઝરના યુપીઆઈ મારફત થતાં ટ્રાન્ઝેક્શન અને ક્રેડિટ સ્કોરના આધારે લોનની રકમ નક્કી કરવામાં આવે છે. આ સેવામાં યુઝર યુપીઆઈ પિન મારફત પેમેન્ટ કરી શકે છે. જેની રકમ બાદમાં યુપીઆઈ મારફત જ જમા કરાવવાની રહેશે. તે એક ડિજિટલ ક્રેડિટ કાર્ડની જેમ કામ કરે છે. જેમાં ફિઝિકલ ક્રેડિટ કાર્ડની જેમ રકમ નિર્ધારિત હોય છે. બેન્કમાંથી મંજૂરી મળ્યા બાદ ગ્રાહકો બેન્ક એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ હશે, તો પણ ક્રેડિટ કાર્ડની જેમ યુપીઆઈ પેમેન્ટ કરી કરશે.
આ રીતે લિંક કરાવો
- ગૂગલ પ્લે સ્ટોર પરથી યુપીઆઈ એપ ડાઉનલોડ કરો
- રજિસ્ટ્રેશન કર્યા બાદ ક્રેડિટ લાઈન વિકલ્પ પસંદ કરો
- બેન્કમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નાખતાં સ્ક્રિન પર ક્રેડિટ લાઈન દેખાશે
- ક્રેડિટ લાઈન એકાઉન્ટ પસંદ કરી લિંક કરાવો અને કન્ફર્મ કરો.
- યુપીઆઈ લાઈટ વોલેટ મર્યાદા પણ વધારી હતી
અગાઉ ચાર ડિસેમ્બરે આરબીઆઈએ યુપીઆઈ લાઈટ વોલેટ મર્યાદા પણ વધારી રૂ. 5000 અને પ્રિ-ટ્રાન્ઝેક્શન લિમિટ રૂ. 1000 કરી હતી.
ગ્રાહકોને તરત જ લોન મળી જશે
નિષ્ણાતોનું કહેવું છે કે આરબીઆઈ વધુને વધુ લોકોને બેંકિંગ સેવાઓના દાયરામાં લાવવા માંગે છે. UPI સુવિધા દ્વારા ક્રેડિટ લાઇનનો ઉપયોગ કરીને, ગ્રાહકને તે ઝડપથી મળે છે. તેની સરખામણીમાં જૂની લોન પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં ઘણો સમય લાગે છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ સુવિધાનો લાભ લેવામાં યુઝર્સે સાવધાની રાખવાની જરૂર છે. જેમ જેમ બેંકિંગ સેવાઓ ડિજિટલ બની રહી છે તેમ તેમ છેતરપિંડીના કેસ પણ વધી રહ્યા છે.