બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ખાલેદા ઝિયાનું 80 વર્ષની વયે નિધન: અંતિમ સંસ્કારમાં હાજરી આપવા ઢાકા જશે વિદેશ મંત્રી જયશંકર
બાંગ્લાદેશની પ્રથમ મહિલા વડાપ્રધાન અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ની અધ્યક્ષ ખાલેદા ઝિયાનું મંગળવારે 80 વર્ષની વયે લાંબી બીમારી બાદ નિધન થયું હતું. તેઓ લિવરની ગંભીર બિમારી, ડાયાબિટીસ, આર્થ્રાઇટિસ અને હૃદયની તકલીફ સહિત અનેક આરોગ્ય સમસ્યાઓથી પીડાતાં હતા અને ઢાકાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતા.તેમની દફનવિધિ બુધવારે તેમના પતિની કબર નજીક સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.તેમના નિધનના સમાચાર મળતાં જ સમગ્ર દેશ શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ત્યારે પડોશી દેશમાં ચાલી રહેલા રાજકીય તણાવ વચ્ચે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર બાંગ્લાદેશ જશે, બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં હાજરી આપી પાડોશી ધર્મ નિભાવશે.

1945માં બ્રિટિશ ભારતના બંગાળ પ્રેસિડેન્સી હેઠળના જલપાઈગુડી (આજનું ભારત)માં જન્મેલા ખાલેદા ઝિયા વિભાજન પછી પરિવાર સાથે દીનાજપુર (આજના બાંગ્લાદેશ) સ્થળાંતરિત થયા હતા. દીનાજપુર મિશનરી સ્કૂલ અને બાદમાં દીનાજપુર ગર્લ્સ સ્કૂલમાં શિક્ષણ લીધું હતું. બાંગ્લાદેશમાં 1981ના બળવા દરમિયાન તેમના પતિ અને પૂર્વ રાષ્ટ્રપતિ ઝિયા ઉર રહેમાનની હત્યા થયા બાદ તેમણે રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો.

પતિના નિધન પછી ખાલેદા ઝિયાએ સાત પક્ષીય ગઠબંધનનું નેતૃત્વ કરી જનરલ હુસૈન મુહંમદ એરશાદના શાસન સામે આંદોલન કર્યું હતું. 1983માં તેઓ બેબીના ઉપાધ્યક્ષ અને 1984માં અધ્યક્ષ બન્યા. 1983થી 1990 દરમિયાન લોકશાહી માટેના સંઘર્ષમાં તેમણે સાત વખત અટકાયતનો સામનો કર્યો હતો.
1991માં લોકમતથી તેઓ બાંગ્લાદેશની પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા.1996માં ટૂંકા ગાળાની બીજી ટર્મ બાદ 2001માં ફરી સત્તામાં આવ્યા હતા.તેમના શાસનમાં સંસદીય પદ્ધતિનો અમલ, મુક્ત-ન્યાયી ચૂંટણી માટે કેરટેકર ગવર્નમેન્ટ સિસ્ટમ, VATનો પરિચય, બેંક કંપની એક્ટ (1991), ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ એક્ટ (1993) અને ખાનગીકરણ બોર્ડની સ્થાપના જેવા સુધારા થયા. શિક્ષણ સુલભ બનાવવાના પગલાં માટે પણ તેઓને યાદ રાખવામાં આવે છે.

જેલ અને લોકશાહી માટેની લડત
2007માં ભ્રષ્ટાચારના કેસોમાં ધરપકડ થઈ. 2018માં ઝિયા ઓર્ફનેજ ટ્રસ્ટ અને ઝિયા ચેરિટેબલ ટ્રસ્ટ કેસોમાં દોષિત ઠરાવી 17 વર્ષની સજા થઈ હતી. 2009 પછીના શાસન દરમિયાન લોકશાહી માટે આંદોલનોને કારણે ઘરમાં નજરબંધ પણ રહ્યા. 2011માં ન્યૂ જર્સી સ્ટેટ સેનેટ દ્વારા ‘ફાઈટર ફોર ડેમોક્રસી’ સન્માન મળ્યું. લાંબી બીમારી છતાં ફેબ્રુઆરી 2026ની ચૂંટણીમાં સક્રિય થવાની તેમણે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

ભારત સાથેના સબંધો
ખાલેદા ઝિયાનો જન્મ ભારતના જલપાઈગુડીમાં થયો હતો. 2006 અને 2012માં તેઓ ભારત ની મુલાકાતે આવ્યા હતા. 2012માં તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી, વડાપ્રધાન મનમોહન સિંહ અને વિપક્ષ નેતા સુષમા સ્વરાજ સાથે મુલાકાત કરી હતી. 2015માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન ખાલેદા ઝિયા સાથે મળ્યા હતા.બંને દેશોના સંબંધોમાં તેમની ભૂમિકા દક્ષિણ એશિયાની રાજનીતિમાં મહત્વપૂર્ણ રહી.

પુત્ર રહેમાન સંભાળશે પક્ષનું નેતૃત્વ…
ખાલેદા ઝિયાના નિધન બાદ હવે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ની કમાન તેમના પુત્ર તારિક રહેમાનના હાથમાં આવી ગઈ છે. લાંબા સમયથી પાર્ટીના મુખ્ય વ્યૂહરચનાકાર તરીકે ઓળખાતા તારીક રહેમાન તાજેતરમાં જ 17 વર્ષના સ્વૈચ્છિક નિર્વાસન બાદ બાંગ્લાદેશ પરત ફર્યા છે. રાજકીય રીતે સક્રિય થતાની સાથે જ તેમણે પાર્ટીની સંગઠનાત્મક રચનાને ફરી મજબૂત બનાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. ફેબ્રુઆરી 2026માં યોજાનારી સામાન્ય ચૂંટણી BNP માટે નિર્ણાયક માનવામાં આવે છે. ખાલેદા ઝિયાના અવસાન બાદ પાર્ટી તેમના વારસાને આગળ વધારવા માટે તારીક રહેમાનને મુખ્ય ચહેરા તરીકે પ્રોજેક્ટ કરી રહી છે. બહુમતિ મળે તો તેમને વડાપ્રધાન પદ માટેના કુદરતી દાવેદાર માનવામાં આવે છે.
