બાંગ્લાદેશ ભારતનો સૌથી મોટો વિકાસ ભાગીદાર ; મોદી
દિલ્હી આવેલા બાંગ્લાદેશના પીએમ હસીના સાથે વડાપ્રધાન મોદીની બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બંગબંધુના સ્થિર, સમૃદ્ધ અને પ્રગતિશીલ બાંગ્લાદેશના સ્વપ્નને સાકાર કરવા માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આ સિવાય વડાપ્રધાને કહ્યું કે નવી દિલ્હી ઢાકા સાથેના તેના સંબંધોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાનું ચાલુ રાખશે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના દિલ્હીની મુલાકાતે આવ્યા હતા. મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી બાદ એમની આ બીજી મુલાકાત હતી.
નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે શેખ હસીના સાથે વાતચીત કર્યા બાદ મોદીએ કહ્યું, “બાંગ્લાદેશ ભારતનો સૌથી મોટો વિકાસ ભાગીદાર છે. તે અમારી નેબરહુડ ફર્સ્ટ પોલિસી, એક્ટ ઈસ્ટ પોલિસી, વિઝન સાગર અને ઈન્ડો-પેસિફિક વિઝનનો સંગમ છે.” “સાથે મળીને અમે છેલ્લા એક વર્ષમાં ઘણા મહત્વપૂર્ણ લોક કલ્યાણ પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે.”
બંને દેશો વચ્ચે વિકાસ ભાગીદારી, ઉર્જા, જળ સંસાધનો, વેપાર, સંરક્ષણ સહયોગ વગેરે સહિત દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રો પર ચર્ચા કરવામાં આવી હતી. મોદીએ કહ્યું કે બંને દેશોએ નવા ક્ષેત્રોમાં સહયોગ માટે ભવિષ્યવાદી વિઝન તૈયાર કર્યું છે. ગ્રીન પાર્ટનરશીપ, ડીજીટલ પાર્ટનરશીપ, બ્લુ ઈકોનોમી અને સ્પેસ જેવા ક્ષેત્રોમાં સહકાર પર પહોંચેલી સર્વસંમતિથી બંને દેશોના યુવાનોને ફાયદો થશે.
તેમણે કહ્યું, “અમે ઈન્ડો-પેસિફિક મહાસાગર પહેલમાં જોડાવાના બાંગ્લાદેશના નિર્ણયને આવકારીએ છીએ. અમે બીમસટેક સહિત અન્ય પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મંચોમાં પણ અમારો સહયોગ ચાલુ રાખીશું.”
બંને નેતાઓ 10 વાર મળ્યા છે
બંને નેતાઓ 2019 થી લઈને અત્યાર સુધી 10 વખત એકબીજાને મળ્યા છે, જેના કારણે સંબંધોમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે. અગાઉ, મોદીએ ભારતમાં નવી સરકારની રચના પછી દ્વિપક્ષીય રાજ્ય મુલાકાત પર પ્રથમ અતિથિ તરીકે રાષ્ટ્રપતિ ભવન સંકુલમાં બાંગ્લાદેશના વડા પ્રધાનનું સ્વાગત કર્યું હતું.