રાજકોટમાં ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ લોન્ચર ઉપર પ્રતિબંધ : મકરસંક્રાંતિ તહેવારને અનુલક્ષીને જાહેરનામું અમલી
રાજકોટ : મકરસંક્રાંતિ પૂર્વે જ બજારમાં પતંગ દોરાનું વેચાણ શરૂ થયું છે અને પતંગ રસિયાઓ અત્યારથી પેચ લડાવી રહ્યા છે ત્યારે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજકોટ દ્વારા મકરસંક્રાતિ તહેવારને અનુલક્ષીને ચાઈનીઝ લોન્ચર, તુક્કલના વેચાણ અને વપરાશ સહિતની વિવિધ બાબતોને લઈ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અમલી બનાવ્યું છે. આ જાહેરનામું તા.7 ડિસેમ્બરથી 16 જાન્યુઆરી સુધી સમગ્ર જિલ્લામાં અમલી રહેશે.
રાજકોટ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.કે.ગૌતમે આગામી મકરસંક્રાંતિના તહેવારને અનુલક્ષીને તા.7 ડિસેમ્બરથી ખાસ જાહેરનામું અમલી બનાવ્યું છે. જાહેરનામા અન્વયે લોકોને જાહેર માર્ગો ઉપર પતંગ ઉડાવવાની મનાઈ ફરમાવી હાથમાં લાંબા ઝંડા, વાસ, ધાતુના તાર સાથે કપાયેલા પતંગ લેવા દોડાદોડી નહીં કરવી, ટેલિફોન -ઇલેક્ટ્રિક ટાર ઉપર લંગર નાખવા નહીં, જોખમી ધાબા ઉપર ચડવું નહીં, મોટા વોલ્યુમ સાથે ઘોંઘાટ થાય તે રીતે લાઉડ સ્પીકર નહીં વગાડવા, ચાઈનીઝ દોરા,તુક્કલ, લેન્ટર, લોન્ચરની આયાત ન કરવી, વેચાણ ન કરવું, જાહેર માર્ગો ઉપર ઘાસચારો ન વેચવો સહિતના પ્રતિબંધાત્મક હુકમો જાહેર કર્યા છે. આ હુકમનું ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ બીએનએસ અને જીપી એક્ટ મુજબ પગલાં લેવામાં આવશે.