રાજકોટના વાવડીમાં ગૌચરની જમીન ખાનગી હોવાનો દાવો આસિસ્ટન્ટ કલેકટરે ફગાવ્યો : આસામી 8-8 મુદત આપવા છતાં હાજર ન રહ્યા
રાજકોટની ભાગોળે આવેલ વાવડી ગામની કરોડોની કિંમતી 3.22 એકર ગૌચરની જમીન ખાનગી હોવાનું અને વર્ષ 1956-57માં જમીન પ્રમોલગેશન સમયે ખેતરનું નામ ગૌચર હોય શરતચૂકથી આ જમીન સરકારી માલિકીની ઠરી ગઈ હોય લેન્ડ રેવન્યુ કોડની કલમ 37(2) અન્વયે આ જમીન ખાનગી હોવાનો દાવો કરવામાં આવતા રાજકોટ સીટી પ્રાંત -2 આસિસ્ટન્ટ કલેકટર દ્વારા આ કેસમાં મહત્વપૂર્ણ નિર્ણય લઈ આઠ-આઠ મુદત આપવા છતાં અરજદાર માલિકી પુરવાર કરવા આધાર -પુરાવા સાથે હાજર નહીં રહેતા દાવો ફગાવી દઈ રજિસ્ટરેથી કમી કર્યો હતો. નોંધનીય છે કે, અગાઉ આ કેસમાં જિલ્લા કલેકટર અને મહેસુલ સચિવ વિવાદ દ્વારા આ જમીનમાં સરકાર દાખલ કરવા હુકમ કર્યો હતો.
આ કેસની વિગત જોઈએ તો રાજકોટની ભાગોળે આવેલ વાવડી ગામના રેવન્યુ સર્વે નંબર 46/2ની 3 એકર 22 ગુંઠા જમીનમાં પોતાની માલિકી નક્કી કરી આપવા અરજદાર ભરતસિંહ અમુભા જાડેજાએ વર્ષ 2023માં રાજકોટ સીટી પ્રાંત-2 કચેરીમાં લેન્ડ રેવન્યુ કોડની કલમ 37(2) અન્વયે દાવો દાખલ કર્યો હતો. બીજી તરફ આ કેસમાં આસિસ્ટન્ટ કલેકટર દ્વારા 30-11-2023થી લઈ તા.30-10-2025 સુધીના સમયગાળામાં એક બાદ એક આઠ મુદત આપવા છતાં અરજદાર તરફથી કોઈ હાજર રહ્યા ન હતા જેથી ખેતરનું નામ ગૌચર હોવાનો દાવો કરી આ જમીન ગૌચરની નહીં પરંતુ ખાનગી હોવાનો દાવો કરનાર અરજદાર જ મુદતે હાજર રહી માલિકીના કોઈ પુરાવા રજૂ નહીં કરી શકતા આસિસ્ટન્ટ કલેકટર મહક જૈન દ્વારા કેસ રજિસ્ટરેથી કમી કરી દાવાને ફગાવી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : હવે આવશે કૃષિ ક્રાંતિ! ડ્રોન,AI અને રોબોટથી થશે ખેતી : નીતિ આયોગે તૈયાર કર્યો રોડ મેપ,ખેડૂતોની આવક વધશે
ઉલ્લેખનીય છે કે, વાવડી ગામની રેવન્યુ સર્વે નંબર 46/2ની 3 એકર 22 ગુંઠા જમીન ખાનગી હોવાની માલિકી અંગે અગાઉ રાજકોટ જિલ્લા કલેકટર સમક્ષ વર્ષ 1994માં દાવો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લા કલેકટર દ્વારા સરકાર દાખલ કરવા હુકમ કરવામાં આવતા અરજદાર દ્વારા મહેસુલ સચિવ વિવાદ સમક્ષ અપીલ કરવામાં આવી હતી જેમાં પણ મહેસુલ સચિવ વિવાદ, અમદાવાદ દ્વારા અરજદાર સવાલવાળી જમીન અંગે ઉતરોતર માલિકી હક્ક સાબિત કરવામાં નિષ્ફ્ળ જતા જિલ્લા કલેકટર રાજકોટનો હુકમ કાયમ રાખવા હુકમ કરવામાં આવ્યો હતો.
