અરવિંદ કેજરીવાલ પ્રચાર તો નહીં જ કરી શકે
કોર્ટે જેલવાસ 7 મે સુધી લંબાવ્યો: કે. કવિતા પણ જેલમાં જ રહેશે
લોકસભાની ચુંટણી માટે પ્રચાર કરવાના અરવિંદ કેજરીવાલના પ્રયાસો નિષ્ફળ થયા છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ, ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે. કવિતા અને ચનપ્રીત સિંહની જ્યુડિશિયલ કસ્ટડી મંગળવારે 7 મે સુધી લંબાવી હતી.
દિલ્હી લિકર પોલિસી કેસમાં ત્રણેયની કસ્ટડી 14 દિવસ માટે લંબાવવામાં આવી હતી. આ રીતે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ હાલ તિહાડ જેલમાં જ રહેવાના છે. કવિતાને પણ તિહાડ જેલમાં રાખવામાં આવ્યા છે. કવિતા પણ ચુંટણી માટે પ્રચાર કરવા માંગે છે.
રાઉસ એવન્યુ કોર્ટે સીબીઆઇ કેસમાં કવિતાની જ્યુડિશિયલ કસ્ટડી વધારી દીધી હતી. જે દિલ્હી લિકર પોલિસી સાથે સંબંધિત છે. કેજરીવાલ, કવિતા અને ચનપ્રીતને મંગળવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અરવિંદ કેજરીવાલની ગયા મહિને 21 માર્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. એ જ રીતે કેજરીવાલની ધરપકડના લગભગ એક અઠવાડિયા પહેલા ઇડીએ કવિતાની હૈદરાબાદથી 15 માર્ચે ધરપકડ કરી હતી. ચનપ્રીતની 15 એપ્રિલે ધરપકડ કરવામાં આવી હતી.