અરવિંદ કેજરીવાલ કેટલા દિવસ બાદ આવ્યા જેલની બહાર ? શું શરતો રાખી કોર્ટે ? જુઓ
સુપ્રીમ કોર્ટે દિલ્હી દારૂ નીતિકાંડમાં ભ્રષ્ટાચારના કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર શુક્રવારે ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે તેમને જામીન આપી દીધા હતા. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઇયાંની બેંચે તેમની જામીન અરજી પર ચુકાદો સંભળાવ્યો હતો. જો કે કેજરીવાલ જામીન પર જેલની બહાર આવ્યા છે છતાં તેઓ કોર્ટની શરતોના સળિયા પાછળ જ રહેશે. અદાલતે આકરી શરતો સાથે જામીન આપ્યા છે. રૂપિયા 10 લાખનો બોન્ડ પણ ભરવો પડ્યો છે. 157 દિવસ બાદ કેજરી જેલમુક્ત થયા હતા અને આપના નેતાઓ એમને લેવા માટે તિહાર જેલ પર ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકરો પણ પહોંચી ગયા હતા.
કેજરીવાલની 26 જૂને સીબીઆઈએ ધરપકડ કરી હતી. ત્યારબાદ કેજરીવાલે આ ધરપકડને ગેરકાયદેસર ગણાવીને જામીન અરજી દાખલ કરી હતી. 5 સપ્ટેમ્બરે અગાઉની સુનાવણીમાં કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.
સુપ્રીમ કોર્ટે ધરપકડને યોગ્ય ગણાવી
કેજરીવાલને જામીન આપવાની સાથે સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું કે તેમની ધરપકડ ખોટી નથી. કારણ કે આરોપનામું દાખલ થઈ ગયું છે અને ટ્રાયલ નજીકના ભવિષ્યમાં પૂરી થવાની નથી, એટલે તેમને લાંબા સમય સુધી જેલમાં રાખવાનું ઔચિત્ય નથી. કેજરીવાલે 10 લાખનો બેલ બોન્ડ ભર્યો છે.
કેજરીવાલની 21 માર્ચે ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 10 દિવસની પૂછપરછ બાદ તેને 1 એપ્રિલે તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. 10 મેના રોજ, તેમને સામાન્ય ચૂંટણીમાં પ્રચાર માટે 21 દિવસ માટે મુક્ત કરવામાં આવ્યા હતા. 51 દિવસ જેલમાં રહ્યા બાદ તેને મુક્ત કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કેજરીવાલને 1 જૂન સુધી મુક્ત કરવાની મંજૂરી આપી હતી. 2 જૂને કેજરીવાલે તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું હતું.