કેનેડામાં ભારત વિરોધી ટુડોની વિદાય : નવા વડાપ્રધાન માર્ક કાર્ની, ટ્રમ્પને ફેક્યો પડકાર
કેનેડાની સત્તાધારી લિબરલ પાર્ટીએ માર્ક કાર્નીને કેનેડાના આગામી નેતા અને વડાપ્રધાન જાહેર કર્યા છે. પીએમ પદ માટે ચૂંટણી જીત્યા બાદ માર્ક કાર્નીએ અમેરિકા અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર જોરદાર પ્રહારો કર્યા છે. અગાઉ બેન્ક ઓફ કેનેડા અને બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર રહી ચૂકેલા કાર્નેએ 85%થી વધુ મતો સાથે લિબરલ પાર્ટીનું નેતૃત્ત્વ જીત્યું હતું.
બેન્ક ઓફ કેનેડા અને બેન્ક ઓફ ઈંગ્લેન્ડના પૂર્વ ગવર્નર માર્ક ક્રાનીને કેનેડાની સત્તાધારી પાર્ટી લિબરલના નવા નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ સાથે માર્ક કાર્ની કેનેડાના નવા વડાપ્રધાન બનશે અને જસ્ટિન ટ્રુડોનું સ્થાન લેશે.
કેનેડા ક્યારેય અમેરિકાનો ભાગ નહિ બને
માર્ક કાર્નેએ કેનેડાના વડાપ્રધાનનું પદ સંભાળતા જ યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના સંબંધો અંગેના પોતાના ઇરાદા સ્પષ્ટ કર્યા હતા. કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવા અંગેના ટ્રમ્પના નિવેદનના જવાબમાં કાર્નેએ કહ્યું કે, ‘લિબરલ પાર્ટી એકજૂથ છે અને કેનેડાના હિતમાં પહેલાની જેમ કામ કરવા તૈયાર છે. આપણે આ દેશને વિશ્વનો મહાન દેશ બનાવ્યો છે અને હવે પાડોશી તેના પર કબજો કરવા માંગે છે. આવું ક્યારેય ન બની શકે.’
અર્થતંત્ર મજબૂત કરશું
કાર્ને ‘બેન્ક ઓફ કેનેડા’ના પૂર્વ વડા છે અને ‘બેન્ક ઓફ ઈંગ્લેન્ડ’માં મહત્ત્વપૂર્ણ પદ પર સેવા આપી ચૂક્યા છે. આથી એવું માનવામાં આવે છે કે તેઓ દેશને આર્થિક પડકારોમાંથી બહાર કાઢવામાં સફળ થશે. તેમજ કાર્નેએ ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધતા કહ્યું હતું કે, ‘કોઈ એવી વ્યક્તિ છે જે આપણી અર્થવ્યવસ્થાને નબળી કરવાનો પ્રયાસ કરી રહી છે.’
શોષણ થવા દઇશ નહીં
નવા નેતાએ વધુમાં કહ્યું હતું કે, ‘અમેરિકા આપણા સંસાધનોનું શોષણ કરવા માંગે છે. તેને આપણા પાણી, જમીન અને દેશની જરૂર છે. જો તેઓ સફળ થશે તો આપણે સમાપ્ત થઈશું. અમેરિકા એક સંસ્કૃતિને નષ્ટ કરવાના તબક્કે આવી ગયું છે. જ્યારે કેનેડા વિવિધતાને માન આપે છે. કેનેડા કોઈપણ રીતે અમેરિકાનો ભાગ બની શકે નહીં.’