વધુ એક લાંચીયો અધિકારી ACBના સકંજામાં !! સૌરાષ્ટ્ર યુનિ. નાં ક્લાર્ક હિરેનભાઈ પદવાણી 5 હજારની લાંચના છટકામાં ઝડપાયા
રાજ્યમાં અવારનવાર લાંચીયા અધિકારીઓ ઝડપાતા હોય છે. પ્રસાદી ધરો તો જ સરકારી કામગીરી થાય આ વાત તો હવે સાવ સામાન્ય થતી જાય છે. બાબુઓને લાંચ લેતા રોકવા માટે સરકાર સતત દેખરેખ રાખી રહી છે અને આ છટકબારીને બંધ કરવા માટે ડિજિટલાઇઝેશન પણ કરવામાં આવી રહ્યું છે. આમ છતાં સરકારી વિભાગોમાં લાંચ આપવાની અને લેવાની પ્રક્રિયા પર અંકુશ આવ્યો નથી. ત્યારે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ક્લાર્ક હિરેન પદવાણીને લાંચ લેતા ACBએ પકડી પાડયા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ખાતે પરીક્ષા વિભાગ કચેરીમાં ફરજ બજાવતા કરાર આધારીત ક્લાર્ક, હિરેનભાઈ જગદીશભાઈ પદવાણી રૂા.૫,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા છે. સેમેસ્ટર 6નું એટીકેટી માટેનું લેટ ફોર્મ ભરવા દેવા માટે લાંચ માંગી હતી. લાંચીયો કર્મચારી હિરેન પદવાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કરાર આધારીત નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે.
ફરીયાદી અભ્યાસ કરાતા હોય અને સેમેસ્ટર-૬ નું એટીકેટી માટેનું ફોર્મ ભરવાનું રહી ગયું હતું ત્યારે સેમેસ્ટર-૬ નું લેટ ફોર્મ ભરાવા માટે ફરિયાદી પાસે ગેરકાયદેસર લાંચ રૂા.૫,૦૦૦/ની માંગણી કરી હતી. લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હતા તેથી તેમણે ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ આક્ષેપીત કચેરી ખાતે ગોઠવાયેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આક્ષેપીતે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ રૂા.૫,૦૦૦/- ફરીયાદી પાસેથી માંગી, સ્વીકારી પોતાના રાજયસેવક તરીકેના હોદાનો દુરપયોગ કર્યો હતો. ત્યારે ACBએ ગોઠવેલા છટકામાં ઝડપાઇ જતાં સમગ્ર મામલે ACBની ટીમે લાંચીયા કર્મચારી હિરેન પદવાણીની ધરપકડ કરી ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.