અને ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશે જુનિયર વકીલને કોફીનું આમંત્રણ આપ્યુ…
જસ્ટિસ એએસ સુપેહિયાએ દેવર્ષિ રાવલે સુનાવણી દરમિયાન કરેલી દલીલોની પ્રશંસા કરી
ભાગ્યે જ બનતી એક આશ્ચર્યજનક ઘટનામાં ગુજરાત હાઇકોર્ટના જજે એક જુનિયર એડવોકેટ અને તેમન મિત્રોને કોફી પીવા માટે આમંત્રણ આપીને પ્રોત્સાહિત કર્યા હતા. હાઇકોર્ટ જજે આ જુનિયર વકીલે કોર્ટમાં કરેલી પ્રભાવશાળી દલીલોની પ્રશંસા પણ કરી હતી. જુનિયર એડવોકેટ દેવર્ષિ રાવલ માટે આ દિવસ યાદગાર બની રહ્યો હતો. દેવર્ષિ રાવલને હજુ થોડા સમય પહેલા જ સનદ મળી છે.

જુનિયર એડવોકેટ દેવર્ષિ રાવલ ન્યાયાધીશ એએસ સુપેહિયા અને ન્યાયાધીશ ગીતા ગોપીની બેન્ચ સમક્ષ આવ્યા અને તેમના સિનિયર વકીલ બીજી કોર્ટમાં હોવાથી સમય માંગ્યો. જોકે, ન્યાયાધીશ સુપેહિયાએ ના પાડી અને તેમને પૂછ્યું કે શું તેઓ દલીલો રજૂ કરી શકશે. આ સાંભળીને દેવર્ષિ રાવલે કહ્યું હતું કે, તે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે.
ત્યારબાદ તેમણે સેવા સમાપ્તિ સંબંધિત કેસના તથ્યો રજૂ કર્યા. ન્યાયાધીશે તેમને પ્રશ્નો પૂછ્યા જેના તેમણે તાત્કાલિક જવાબો આપ્યા. ત્યારબાદ બેન્ચે કેસ મુલતવી રાખ્યો હતો.
દેવર્ષિ રાવલે કહ્યું કે “જ્યારે હું કોર્ટનો સામનો કરવા ઉભો થયો ત્યારે મને વિશ્વાસ નહોતો, પરંતુ પછી મેં મારા કેસનું આત્મવિશ્વાસથી પ્રતિનિધિત્વ કર્યું,”
દેવર્ષિ રાવલે તેની દલીલો પૂરી કરી ત્યારે જસ્ટીસ સુપેહિયાએ તેને કોફી પીવા માટે આમંત્રણ આપ્યું હતું. જસ્ટીસે કહ્યું હતું કે, તમે ખુબ જ સારી દલીલો કરી છે. તમે મિત્રો સાથે બપોરે 2.15 વાગ્યે મિટ્ટી કાફે આવો. આપણે કોફી પીશું,”
આ આમંત્રણથી ગૌરવ અનુભવતા દેવર્ષિ રાવલે કહ્યું કે આ પછી જસ્ટિસ સુપેહિયા, હું અને મારા બે મિત્રો સાથે કાફેમાં કોફી પીવા માટે નીચે ગયા. તેમણે કેસ રજૂ કરવા માટેની ટિપ્સ શેર કરી અને અમને સફળતાની શુભેચ્છા પાઠવી. મને હજુ પણ વિશ્વાસ નથી થઈ રહ્યો કે આવું થયું છે,”