‘એક દેશ પરનો હુમલો બંને પર હુમલો ગણાશે’ પાકિસ્તાન અને સાઉદી વચ્ચે ઐતિહાસિક સંરક્ષણ સમજૂતી
પાકિસ્તાન અને સાઉદી અરેબિયાએ મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને અમેરિકા પર નિર્ભરતા અંગેની ચિંતાઓ વચ્ચે એક મહત્વપૂર્ણ સંરક્ષણ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. આ સમજૂતી હેઠળ, કોઈ પણ એક દેશ પર હુમલો બંને દેશો પર હુમલો ગણાશે, જે બંને દેશોની સંયુક્ત સુરક્ષા અને આક્રમણ સામે રક્ષણની પ્રતિબદ્ધતા દર્શાવે છે. રિયાધમ 17 સપ્ટેમ્બરે પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફ અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને “સ્ટ્રેટેજીક મ્યુચ્યુઅલ ડિફેન્સ એગ્રીમેન્ટ ” પર હસ્તાક્ષર કર્યા હતા.એ સમયે પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ આસિફ મુનિર પણ હાજર હતા.
આ સમજૂતી હેઠળ બંને દેશો સૈન્ય સહકાર વધારશે, કોઈ પણ આક્રમણ સામે એકબીજાને ટેકો આપશે અને કોઈ પણ એક દેશ પરનો હુમલો બંને દેશો પરનો હુમલો ગણાશે. આ સંરક્ષણ સમજૂતી બંને દેશો વચ્ચે દાયકાઓથી ચાલતા સુરક્ષા સંયોગને વધુ મજબૂત કરે છે. સમજૂતીનો હેતુ સંયુક્ત સંરક્ષણ સહકાર વધારવો, આક્રમણ સામે એકબીજાને ટેકો આપવો અને પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા જાળવવાનો છે. પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલયના નિવેદન મુજબ, “આ સમજૂતી બંને દેશોની સુરક્ષા અને વૈશ્વિક શાંતિ માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. કોઈ પણ એક દેશ પરનો હુમલો બંને દેશો પરનો હુમલો ગણાશે.”
આ પણ વાંચો : રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ ગોંડલ કોર્ટમાં કર્યું આત્મસમર્પણ : પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં થયા હાજર
નોંધનીય છે કે હમાસના નેતાઓને મારી નાખવા માટે ઇઝરાયેલે ગત સપ્તાહે કતાર પર કરેલા હુમલા બાદ
મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે દોહામાં આરબ મુસ્લિમ દેશોનું સંમેલન મળ્યું હતું જેમાં નાટો જેવા સુરક્ષા દળની રચના અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વિશ્લેષકોના જણાવ્યા મુજબ ગલ્ફ દેશો હવે અમેરિકા પરની નિર્ભરતા ઘટાડીને ઇઝરાયેલ અને ઈરાન સાથે સંબંધોનું સંતુલન જાળવવા માંગે છે અને આ પરિસ્થિતિએ પાકિસ્તાન અને સાઉદી અરેબિયાને આ સંરક્ષણ સમજૂતી તરફ દોર્યા છે.
ભારત સાથેના સબંધ અત્યંત મજબૂત : સાઉદી અરેબિયા
મહત્વનું છે કે આ સમજૂતી ઇઝરાયેલના કતાર પરના હુમલાના અઠવાડિયા પછી અને ભારત પાક વચ્ચેના સંઘર્ષના ચાર મહિના બાદ થઇ છે ત્યારે પત્રકારોના સવાલના જવાબમાં સાઉદીના અધિકારીએ જણાવ્યું કે કોઈ ઘટના કે બનાવના સંદર્ભમાં આ સમજૂતી નથી થઈ. સાઉદી અને પાકિસ્તાન વચ્ચે દાયકાઓથી સંરક્ષણ સહયોગ છે. તેમણે કહ્યું કે અમારા ભારત સાથેના સંબંધો અગાઉ ક્યારેય ન હતા તેટલા મજબૂત છે. અમે આ સંબંધોને વધુ વિકસાવીશું અને પ્રાદેશિક શાંતિમાં યોગદાન આપવાનો પ્રયાસ કરીશું. તેમણે ઉમેર્યું કે ભારત અને પાકિસ્તાન બંને પરમાણુ શક્તિ ધરાવે છે અને સાઉદી અરેબિયા પાકિસ્તાનના હરીફ દેશ ભારત સાથે પણ સંબંધોનું સંતુલન જાળવવા માંગે છે.
આ પણ વાંચો : રવિવારે ભારત-પાકિસ્તાન ફરી આમને-સામને : સુપર-4માં પણ હાથ નહીં મીલાવે ટીમ ઈન્ડિયા
સાઉદીને પરમાણુ રક્ષણ?
જ્યારે પૂછવામાં આવ્યું કે શું આ સમજૂતી હેઠળ પાકિસ્તાન સાઉદી અરેબિયાને પરમાણુ રક્ષણ આપશે, તો સાઉદી અધિકારીએ સૂચક રીતે જણાવ્યું કે આ એક વ્યાપક સંરક્ષણ સમજૂતી છે, જે તમામ સૈન્ય સાધનોને આવરી લે છે.” તેમના આ જવાબથી
પરમાણુ સહકારની શક્યતા અંગે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ભારતની સાવચેતીભરી પ્રતિક્રિયા
ભારતે આ સમજૂતી અંગે સાવચેતી ભરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે સાઉદી અને પાકિસ્તાન વચ્ચેના લાંબા સમયના સંરક્ષણ સહકારને આ સમજૂતીથી સત્તાવાર સ્વરૂપ મળ્યું છે અને તે અંગે ભારતને જાણકારી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે
અમે રાષ્ટ્રીય સુરક્ષા તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક સ્થિરતા માટે આ સમજુતીનો અભ્યાસ કરીશું. તેમણે ઉમેર્યું કે સરકાર ભારતના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા અને તમામ ક્ષેત્રોમાં વ્યાપક રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.
