અમેરિકાના રિપબ્લિકન નેતાનો બફાટ : હનુમાનજીને ‘ખોટા દેવ’ ગણાવતા ભારે વિવાદ, વાંચો શું છે સમગ્ર મામલો
અમેરિકાના એક રિપબ્લિકન નેતાએ હનુમાનજીને “ખોટા દેવ” ગણાવતા ભારે વિવાદ થયો છે. તેમણે અમેરિકાને ખ્રિસ્તી રાષ્ટ્ર ગણાવી ત્યાં હિન્દુ ભગવાનોની મૂર્તિઓના નિર્માણનો વિરોધ કર્યો હતો.
ટેક્સાસના રિપબ્લિકન નેતા અલેક્ઝાન્ડર ડંકને 90 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમા અંગે ટિપ્પણી કરતા વિવાદ ઉભો થયો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તેમણે લખ્યું, “આપણે ટેક્સાસમાં ખોટા હિન્દુ દેવની ખોટી મૂર્તિ શા માટે ઉભી કરી રહ્યા છીએ? આપણે તો એક ખ્રિસ્તી રાષ્ટ્ર છીએ.”
આગળ વધીને ડંકને બાઇબલનો હવાલો આપ્યો. તેમણે લખ્યું, “તમે મારા સિવાય બીજાને દેવ સ્વીકારશો નહીં. તમે તમારા માટે કોઈપણ પ્રકારની મૂર્તિ કે આકાશમાં કે ધરતી પર કે સમુદ્રમાં જે કંઈ છે તેની પ્રતિમા બનાવશો નહીં.” (એક્ઝોડસ 20:3-4).
સુગરલેન્ડ શહેરના શ્રી અષ્ટલક્ષ્મી મંદિરમાં આવેલી હનુમાનજીની આ પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિયન’ તરીકે ઓળખાય છે. તેનું અનાવરણ 2024માં થયું હતું. આ પ્રતિમા અમેરિકા ખાતેની સૌથી ઊંચી હિન્દુ પ્રતિમાઓમાંની એક છે. 90 ફૂટ ઊંચી આ મૂર્તિને ચિન્નજીયર સ્વામીજીના માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવી હતી અને તે અમેરિકાની ત્રીજી સૌથી ઊંચી પ્રતિમા ગણાય છે.
ભારે વિરોધ, અમેરિકન નાગરિકે પણ હિન્દુ ધર્મના ગુણગાન ગાયા
ડંકનના આ બફાટના ઘેરા પડઘા પડ્યા છે.હિંદુ અમેરિકન ફાઉન્ડેશને તેને “હિંદુ વિરોધી અને ભડકાઉ” ગણાવ્યું છે. સંગઠને ટેક્સાસ રિપબ્લિકન પાર્ટીને સત્તાવાર રીતે ફરિયાદ કરીને કાર્યવાહી કરવાની માંગ કરી છે. HAFએ પોતાના નિવેદનમાં કહ્યું, “ટેક્સાસ રિપબ્લિકન પાર્ટી શું પોતાના ઉમેદવાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરશે, જેણે ખુલ્લેઆમ ભેદભાવ સામેના માર્ગદર્શક સિદ્ધાંતોનો ભંગ કર્યો છે? આ તો હિંદુઓ વિરુદ્ધની ઘૃણા જ નથી, પણ અમેરિકાના બંધારણની પ્રથમ સુધારણામાં આપવામાં આવેલી ધાર્મિક સ્વતંત્રતાનો પણ અનાદર છે.”
સોશિયલ મીડિયામાં પણ ડંકનની ટીકા થઈ રહી છે. એક અમેરિકન યુઝરે લખ્યું કે, “તમે હિંદુ નથી એટલે તે ખોટું નથી થઈ જતું. વેદો તો યેશુ ખ્રિસ્તના જન્મથી 2000 વર્ષ પહેલાં લખાયા હતા અને અદભુત ગ્રંથો છે. ખ્રિસ્તી ધર્મ પર તેનો સ્પષ્ટ પ્રભાવ છે. જે ધર્મ તમારાથી પહેલાંનો છે અને જેનાથી તમારો ધર્મ પ્રેરિત થયો છે, તેને સન્માન આપવું અને અભ્યાસ કરવું યોગ્ય રહેશે.”
ઘણા નેટિઝન્સે યાદ અપાવ્યું કે અમેરિકાનું બંધારણ દરેકને પોતાના ધર્મનું પાલન કરવાનો અધિકાર આપે છે અને કોઈપણ ધર્મને ખોટો ગણાવવાની માન્યતા તેમાં નથી.
