અમેરિકા નાદાર થવાની કગાર પર છે : કેબિનેટની બેઠકમાં મસ્કની ચેતવણી
ડોનાલ્ડ ટ્રમ્પે સતાનું સુકાન સંભાળ્યા બાદ વ્હાઇટ હાઉસ ખાતે મળેલી કેબિનેટની પ્રથમ બેઠકમાં ટેસ્લાના માલિક અને સીઇઓ એલોન મસ્કે અમેરિકા નાદાર થઈ જવાની પગાર પર આવી ગઈ હોવાની ચેતવણી દોહરાવી હતી. સરકારમાં મંત્રી ન હોવા છતાં ટ્રમ્પે પરંપરાનો ભંગ કરી મસ્કને કેબિનેટની બેઠકમાં બોલાવ્યા હતા. મસ્ક ‘ મેઇ અમેરિકા ગ્રેટ અગેન ‘ લખેલી કાળા કલરની બેઝ બોલ કેપ પહેરીને ઉપસ્થિત રહ્યા હતા અને એ બેઠકમાં છવાઈ ગયા હતા .
મસ્કે કહ્યું કે સરકારી ખર્ચ ઘટાડવો અનિવાર્ય છે. સરકારી કર્મચારીઓની સામુહિક છટણી અને અન્ય બિનજરૂરી સરકારી ખર્ચમાં કાપ મુકવામાં નહી આવે તો અમેરિકા નાદર થઈ જશે તેવી ચેતવણીનો તેમણે આ બેઠકમાં પુનરોચ્ચાર કર્યો હતો.તેમના આ પગલાઓ બદલ તેમને હત્યાની ધમકીઓ મળતી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.ટ્રમ્પે તેમને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફીસીયન્સીની કામગીરી અંગે કેબિનેટને જાણકારી આપવા સૂચના આપ્યા બાદ મસ્કએ આ વાત જણાવી હતી.
બીજી તરફ મસ્કના એકચક્રી વર્ચસ્વ અને તેમના અનેક નિર્ણયો સામે કેબિનેટ મંત્રીઓમાં પણ નારાજગી હોવાની ચર્ચા વચ્ચે ટ્રમ્પ એ બેઠકમાં ખુલ્લીને મસ્કના સમર્થનમાં આવી ગયા હતા. કેબિનેટમાં કોઈને મસ્કની સામે કોઈ વાંધો છે? તેવો સવાલ કરી અને તેમણે કહ્યું કે જો કોઈને વાંધો હોય તો તેને અત્યારે જ અહીંથી બહાર ફેંકી દેવામાં આવશે. બાદમાં તેમણે કહ્યું કે કેટલાક લોકો કેટલીક બાબતોમાં મસ્ક સાથે સહમત નથી પરંતુ મોટાભાગના લોકો મસ્કથી માત્ર ખુશ જ નથી રોમાંચિત પણ છે.
બાદમાં તેમણે બધી એજન્સીઓને વધારાના કર્મચારીઓની છટણી માટે તેમજ બિનજરૂરી કોન્ટ્રાક્ટ રદ કરવા ની કામગીરી માટે DOGE સાથે કામ કરવાની સુચના આપતા વહીવટી આદેશ ઉપર હસ્તાક્ષર કર્યા હતા. તેમણે સરકારના રીયલ એસ્ટેટ ડિપાર્ટમેન્ટને પણ બિનજરૂરી સરકારી સંપત્તિ ના વેચાણ માટે પ્લાન રજૂ કરવા આદેશ કર્યો હતો.