અમેરિકાનું F-35 કે રશિયાનું Su-57 | ક્યુ ફાઈટર પ્લેન ખરીદવું ?? પસંદગીમાં ભારતની વિમાસણ, જાણો બંનેની ખાસિયત
એરો ઈન્ડિયા 2025 ના એર શોમાં વિશ્વના બે સૌથી અદ્યતન ફાઇટર જેટ: અમેરિકન F-35 અને રશિયન Su-57 વચ્ચે મોટી સ્પર્ધા જોવા મળી. જ્યારે SU-57 એ હવાઈ પ્રદર્શન કર્યું, ત્યારે F-35 જમીન પર પ્રદર્શિત થયું. હવે, અમેરિકા અને રશિયા બંને ભારતને આ ફાઇટર જેટ ઓફર કરી રહ્યા છે. પરંતુ આપણે શું લેવું? ભારતીય વાયુસેના માટે કયું સારું છે?
F-35 વિ. Su-57
F-35 અને Su-57 બંને ફિફ્થ જનરેશન એટલે કે પાંચમી પેઢીના લડાયક વિમાનો છે, જેનો અર્થ એ થાય કે તેઓ નવીનતમ ટેકનોલોજી, સ્ટીલ્થ ક્ષમતાઓ અને અદ્યતન શસ્ત્રોથી સજ્જ છે.
F-35: અમેરિકન કંપની લોકહીડ માર્ટિન દ્વારા ઉત્પાદિત, F-35 ને વિશ્વના સૌથી અદ્યતન ફાઇટર એરક્રાફ્ટમાંનું એક ગણવામાં આવે છે. તેનો ઉપયોગ અમેરિકા, યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયા સહિત ઘણા દેશો કરે છે. દરેક F-35 ની કિંમત $80 મિલિયનથી $115 મિલિયનની વચ્ચે છે.
SU-57: રશિયન વિમાન મેન્યુફેક્ચરર સુખોઈ દ્વારા વિકસિત, SU-57 એ રશિયાનું નવીનતમ ફાઇટર જેટ છે. રશિયાએ તેને F-35 ની સામે મુક્યું છે. રશિયાએ સત્તાવાર રીતે SU-57 ની કિંમત જાહેર કરી નથી, પરંતુ તેઓ દાવો કરે છે કે તે F-35 કરતા સસ્તું છે.
ગતિ અને એન્જિન
F-35: તેમાં એક જ એન્જિન (પ્રેટ અને વ્હીટની F135) છે અને તે મહત્તમ મેક 1.6 ની ગતિ સુધી પહોંચી શકે છે. (એક મેક બરાબર અવાજની ઝડપ.)
SU-57: બે એન્જિન ધરાવે છે (Saturn AL-41F1) અને તે થોડું વધુ ઝડપી છે, જે Mach 1.8 સુધી પહોંચે છે.
F-35 તેની અદ્યતન ટેકનોલોજી માટે જાણીતું છે, જ્યારે Su-57 ગતિ અને ચપળતા માટે પ્રચલિત છે.
રેન્જ અને માઈલેજ
F-35: તેની ઇંધણ ક્ષમતા 18,498 પાઉન્ડ છે અને તેની રેન્જ 2,172 કિમી છે.
SU-57: તેની રેન્જ 2,999 કિમી છે અને તે 7.4 ટન સુધીના શસ્ત્રો લઈ જઈ શકે છે.
ટેકનોલોજી અને સુવિધાઓ
F-35: સૌથી અદ્યતન સેન્સર, રડાર સિસ્ટમ અને હેલ્મેટ ડિસ્પ્લે સાથે આવે છે જે પાઇલટના વિઝર પર સીધી બધી મહત્વપૂર્ણ માહિતી દર્શાવે છે. (વિઝર એટલે હેલ્મેટના કાચ ઉપર જ દેખાતો ડિસ્પ્લે)
SU-57: તેમાં એક શક્તિશાળી ઓનબોર્ડ કમ્પ્યુટર અને AI સિસ્ટમ છે જે ઉડાન અને શસ્ત્રોના ઉપયોગ માટે મદદ કરી શકે છે. તેમાં રડાર ડિટેક્શનથી બચવા માટે સ્ટીલ્થ ફીચર્સ પણ છે.
ઉત્પાદન અને ખપત
- હાલમાં વિશ્વભરમાં 1,000 થી વધુ F-35 વિમાન કાર્યરત છે.
- રશિયાએ ફક્ત 40 SU-57 નું ઉત્પાદન કર્યું છે, તેની નિકાસ મર્યાદિત છે અને તેના નિર્માણમાં વિલંબ થયો છે.

ભારતને 5મી પેઢીના ફાઇટર એરક્રાફ્ટની કેમ જરૂર છે?
ભારત પાસે હાલમાં લગભગ 600 ફાઇટર જેટ છે, પરંતુ તેમાંથી કોઈ પણ પાંચમી પેઢીનું વિમાન નથી. અમેરિકા, ચીન અને રશિયા જેવા દેશો પાસે પહેલાથી જ અદ્યતન જેટ વિમાનો છે, જેના કારણે ભારતને નુકસાન થઈ રહ્યું છે કે થઇ શકે છે.
ભારત પોતાના પાંચમા પેઢીના ફાઇટર એરક્રાફ્ટ, એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) પર કામ કરી રહ્યું છે, પરંતુ તે 2036 પહેલા તૈયાર થશે નહીં. દરમિયાન, ચીને પહેલેથી જ 200 થી વધુ J-20 સ્ટીલ્થ ફાઇટર તૈનાત કરી દીધા છે, અને પાકિસ્તાન ચીન અને તુર્કી પાસેથી પાંચમી પેઢીના જેટ ખરીદવાની યોજના ધરાવે છે.
ભારતે F-35 પસંદ કરવું જોઈએ કે Su-57?
નિષ્ણાતોના મિશ્ર મંતવ્યો છે. કેટલાક માને છે કે SU-57 ઓછું અદ્યતન છે અને હજુ પણ મોટા પાયે ઉપયોગ માટે તૈયાર નથી. અન્ય લોકો માને છે કે F-35 ભારતની જરૂરિયાતોના સંદર્ભમાં જોવા જઈએ તો ખૂબ ખર્ચાળ અને જટિલ છે. કેટલાક નિષ્ણાતો સૂચવે છે કે ભારતે મોંઘા ફાઇટર જેટમાં રોકાણ કરવાને બદલે ડ્રોન અને એન્ટી-ડ્રોન સિસ્ટમ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
F-35 અને Su-57 બંને અદ્યતન ક્ષમતાઓ પ્રદાન કરે છે, પરંતુ તેમના પોતાના ફાયદા અને પડકારો પણ છે. ભારતે નક્કી કરવું પડશે કે આમાંથી ક્યા એક વિમાનમાં રોકાણ કરવું, પોતાના AMCA જેટની રાહ જોવી કે વૈકલ્પિક સંરક્ષણ તકનીકો શોધવી.
Abhimanyu Modi