ગજબ !! રસ્તો ભટકી ગઈ વંદે ભારત ટ્રેન… જવાનું હતું ગોવા અને પહોંચી કલ્યાણ, જાણો શું હતું કારણ
વંદે ભારત એક્સપ્રેસ, દેશની સૌથી આધુનિક અને ઝડપી ટ્રેનોમાંની એક, તેની ઉત્તમ સેવાઓ અને હાઇ સ્પીડ માટે જાણીતી છે. પરંતુ હાલમાં જ આ ટ્રેન એક વિચિત્ર ઘટનાનો શિકાર બની હતી. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ (CSMT) થી ગોવાના મડગાંવ જતી આ ટ્રેન જ રસ્તો ભટકી ગયું અને ખોટી દિશામાં પહોંચી ગઈ હતી.
રસ્તો ભટકી કલ્યાણ પહોંચી
વંદે ભારત દિવા સ્ટેશનથી પનવેલ તરફ વળવાનું હતું, પરંતુ ટેકનિકલ ખામીને કારણે ટ્રેન સીધી કલ્યાણ તરફ ગઈ. જ્યારે રેલ્વે અધિકારીઓને આ ભૂલની જાણ થઈ તો તેઓએ તરત જ કલ્યાણ સ્ટેશન પર ટ્રેનને રોકી દીધી. થોડા સમય પછી, ટ્રેનને યોગ્ય દિશામાં દિવા સ્ટેશન પર લાવવામાં આવી હતી અને પછી મૂળ ગંતવ્ય તરફ આગળ વધી હતી. આ ભૂલને કારણે ટ્રેન તેના ગંતવ્ય સ્થાને 90 મિનિટ મોડી પહોંચી હતી.
સિગ્નલિંગમાં ટેકનિકલ ખામી
રેલવે અધિકારીઓએ આ ઘટના માટે સિગ્નલિંગ અને ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમમાં ટેકનિકલ ખામીને જવાબદાર ગણાવી છે. દિવા સ્ટેશન પર પોઈન્ટ નંબર 103 પર સિગ્નલની સમસ્યાને કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે આ ખામી દિવા જંક્શન અને પનવેલ રૂટની ડાઉન ફાસ્ટ લાઇન વચ્ચે સર્જાઈ હતી.
ટ્રેન 35 મિનિટ માટે ઉભી રહી
દિવા સ્ટેશન પર લગભગ 35 મિનિટ સુધી ટ્રેન રોકી દેવામાં આવી હતી, જેના કારણે મુંબઈ લોકલ ટ્રેન સેવા પણ પ્રભાવિત થઈ હતી. વંદે ભારત એક્સપ્રેસ સવારે 5:25 વાગ્યે મુંબઈથી નીકળીને 1:10 વાગ્યે ગોવાના મડગાંવ પહોંચવાની હતી. પરંતુ આ ખામીના કારણે મુસાફરોને વિલંબનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટનાએ રેલવેની હાઈટેક સિસ્ટમ અને વંદે ભારત જેવી પ્રીમિયમ સેવાઓ પર સવાલો ઉભા કર્યા છે. જો કે, અધિકારીઓએ ખાતરી આપી છે કે આવી ઘટનાઓ ફરીથી ન બને તે માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.