બિહાર એનડીએમાં લોકસભાની ચુંટણી માટે બેઠકોની ફાળવણી ભાજપને 17 અને જનતાદળયુને 16 બેઠક
લોજપા રામવિલાસને 5 બેઠક, કુસવાહા અને માંઝીને 1-1 બેઠક
બિહાર એનડીએની અંદર અંતે લોકસભાની ચુંટણી માટે બેઠકોની ફાળવણી અંગેની વાત બની ગઈ હતી. દિલ્હીમાં આજે આ મુદ્દા પર એનડીએના નેતાઓની બેઠક મળી હતી અને તેમાં એનડીએ દ્વારા બિહારમાં બેઠકોની ફાળવણીની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી હતી. બિહારમાં લોકસભાની 40 બેઠક છે.
બેઠકોની થયેલી સમજૂતી મુજબ બિહારમાં ભાજપ 17 બેઠક પર અને જનતાદળયુ 16 બેઠક પર પોતાના ઉમેદવાર ઉતારશે. તેમજ લોજપા રામવિલાસને 5 બેઠક ફાળવવામાં આવી છે. ઉપેન્દ્ર કુસવાહને 1 અને જિતનરામ માંઝીને પણ 1 બેઠક ફાળવવામાં આવી હતી.
દિલ્હીમાં સોમવારે ભાજપ અને જનતાદળયુના નેતાઓ વચ્ચે લાંબી બેઠક ચાલી હતી. જેમાં સર્વસંમતીથી બેઠકોની ફાળવણીની ફોર્મ્યુલા નક્કી થઈ હતી. જેનો બધાએ સ્વીકાર કર્યો હતો. આરએલએમ પાર્ટીના નેતા ઉપેન્દ્ર કુસવાહાએ 2 સીટની માંગણી કરી હતી. જો કે મુકેશ સહાનીની વિકાસશીલ ઇન્સાન પાર્ટી અંગે હજુ પીકચર ક્લિયર થયું નથી.
છેલ્લા ઘણા સમયથી બિહારમાં એનડીએ માટે બેઠકોની ફાળવણી અંગેની ચર્ચાઓ અને બેઠકો ચાલી રહ્યા હતા. અંતે જદયુના નેતા નીતિશ કુમાર અને ભાજપના નેતાઓ વચ્ચેની વાતચીત સફળ રહી હતી અને આ રીતે બેઠકોની ફાળવણી થઈ હતી.
