પેપર લીકનો મુદ્દો દબાવવા રાહુલનું માઇક બંધ કરી દેવાયાનો આક્ષેપ
ધમાલ થતા ગૃહ 1 જુલાઈ સુધી સ્થગિત
આજે લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોમાં NEETના મુદ્દે વિરોધ પક્ષના સાંસદોએ હંગામો મચાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ભારે શોર બકોર વચ્ચે ગૃહની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પેપર લિકનો પ્રશ્ન ઉઠાવ્યો ત્યારે તેમનું માઇક બંધ કરી દેવાયુ હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો.રાહુલ ગાંધી માઇક ચાલુ કરવા માટે અધ્યક્ષ ઓમ બિરલા ને વિનંતી કરતા હોય તેવો વિડિયો વાયરલ કરીને કોંગ્રેસે સરકાર યુવાનોનો અવાજ દબાવવા માંગતી હોવાનો આક્ષેપ કર્યો હતો.
શુક્રવારે સંસદની કાર્યવાહી ચાલુ હતી ત્યારે કોંગી સાંસદ વેનુગોપાલે પેપર લીક અંગે ચર્ચા કરવા માટે સ્થગિત પ્રસ્તાવ રજૂ કર્યો હતો.જો કે અધ્યક્ષે એ પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો અને ગૃહ રાષ્ટ્રપતિના સંબોધન માટે આભાર પ્રસ્તાવ પર જ ચર્ચા કરશે તેમ જણાવ્યું હતું.
બાદમાં કોંગ્રેસે સરકારની ટીકા કરતા કહ્યું કે મોદી સરકાર NEET મુદ્દે કંઈ બોલતી નથી.રાહુલ ગાંધી એ અંગે બોલવા માંગે છે ત્યારે માઇક બંધ કરી દેવા જેવું નિમ્ન કક્ષાનું કૃત્ય કરી સરકાર દેશના યુવાનોનો અવાજ દબાવી દેવા માંગે છે.આ મુદ્દે ધમાલ બોલ્યા બાદ અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહ 1 જુલાઈ સુધી સ્થગિત કરી દીધું હતું.આ વિવાદ અંગે ઓમ બિરલાએ જણાવ્યું કે હું કોઈ સાંસદના માઇક બંધ કરતો નથી અને મારી પાસે એવો કોઈ કન્ટ્રોલ પણ નથી. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિના ભાષણ પરની ચર્ચા સિવાયની કોઈ મેટર રેકોર્ડ પર નહી લેવામાં આવે.
