RMCની તમામ લાયબ્રેરી હવે 365 દિવસ ચાલુ રહેશે, રજાના દિવસોમાં પણ રહેશે ખુલ્લી
રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાં છ લાયબ્રેરી, બહેનો માટે બે અને બાળકો માટેના ફરતા પુસ્તકાલયો અને વિદ્યાર્થીઓ માટે અલગ-અલગ વોર્ડમાં સાત વિદ્યાર્થી વાંચનાલયનું સંચાલન કરવામાં આવી રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓ તેમજ વાંચનપ્રિય લોકો માટે મહાપાલિકા દ્વારા આવકારદાયક નિર્ણય લઈને તમામ લાયબ્રેરી-વાંચનાલય સવારે 8 થી સાંજે 7:30 વાગ્યા સુધી ચાલું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય 11 એપ્રિલથી લાગુ પડશે.
આ અંગે ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર સહિતનાએ જણાવ્યું કે હાલ તમામ લાયબ્રેરી-વાંચનાલયમાં 2,64,138 પુસ્તકો, 15718 રમકડા, ગેમ્સ, પઝલ્સ, 21808 વિવિધ વિષયના મલ્ટીમીડિયા તેમજ 1130 મેગેઝીન-વર્તમાનપત્રો વસાવવામાં આવ્યા છે. લાયબ્રેરીમાં અત્યારે 39470 સભ્ય નોંધણી પણ થવા પામી છે. અત્યાર સુધી સોમવારથી શુક્રવાર સવારે 9 થી સાંજે 7:30, બીજા-ચૌથા શનિવાર તેમજ રવિવારે 8 થી બપોરે 2 સુધી અને જાહેર રજાઓમાં લાયબ્રેરી બંધ રાખવામાં આવતી હતી પરંતુ હવેથી દરેક લાયબ્રેરી સવારે 8:00થી સાંજે 7:30 સુધી કાર્યરત રહેશે અને જાહેરરજાઓ દરમિયાન પણ રજા પાડશે નહીં.