એરપોર્ટનું મુખ્ય ટર્મિનલ તૈયાર:ગ્રીન સિગ્નલ મળતાંની સાથે જ ટેકઓફ
ડી.જી.સી.એ.ની મંજૂરી માટે જોવાઇ રહી છે રાહ: આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનું બોર્ડ પણ લાગી ગયું,સમીક્ષા બાદ બેઝમેન્ટમાં સિવિલ વર્ક પણ પુરું…હવે ઉદ્ઘાટન ક્યારે..?
ગ્રીનફિલ્ડ એરપોર્ટનું મુખ્ય નવું ટર્મિનલ બનીને તૈયાર છે,એરપોર્ટ ઓથોરિટી દવારા બધુ જ કામ પૂરું કરી દેવાયુ છે હવે માત્ર ઓથોરિટીને ડી.જી.સી.એ.નું ગ્રીન સિગ્નલ મળતાની સાથે નવું ટર્મિનલ કાર્યરત થઈ જશે.
વર્ષ 2023 થી શરૂ થયેલા હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ બિલ્ડીંગનું કામ 95 ટકા પૂરું થઈ ચૂક્યું છે. માત્ર કસ્ટમ ઇમિગ્રેશનની પ્રક્રિયા હજુ બાકી છે, જેના માટેનો સેટઅપ ગોઠવાઈ ગયો છે જોકે ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થવાની હશે ત્યારે કસ્ટમ ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટ એક્ટિવ થશે હાલમાં ડોમેસ્ટિક ફ્લાઈટ ઓપરેશન માટેનું તમામ કામ પૂરું થઈ ચૂક્યું છે તાજેતરમાં જ ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશનના અધિકારીઓએ નવા બિલ્ડીંગની સમીક્ષા કરી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર આ અધિકારીઓએ બેઝમેન્ટમાં સિવિલ કામ માટે સુધારો કરવા માટે સૂચન કર્યું હતું તે પણ અત્યારે પૂરું થઈ ગયું છે, હવે માત્ર નવા ટર્મિનલ માટેની તારીખ આવે તેની રાહ જોવાઇ રહી છે.
અગાઉ વર્ષ 2025 ની શરૂઆત સાથે જાન્યુઆરી મહિનામાં નવું ટર્મિનલ શરૂ થઈ જશે તેવી વાત પછી હવે ફેબ્રુઆરીમાં ટર્મિનલ પરથી ફ્લાઈટનો સંચાલન થશે તેવી ચર્ચાઓ ઊભી થઈ છે, ગ્રીનફિલ્ડ એરપોર્ટ નો મુખ્ય ટર્મિનલ ક્યારે શરૂ થશે કે પછી તેની તારીખ બાબતે ઓથોરિટી દ્વારા હજુ સુધી સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.
હાલમાં મુખ્ય બિલ્ડિંગમાં પેસેન્જરો માટેની બેઠક વ્યવસ્થા,ચેક ઇન, સિક્યુરિટી,લગેજ માટે 3 કન્વયેર બેલ્ટ,સીસીટીવી, વીઆઇપી લોનજ,કેન્ટીન સહિતનું તમામ કામ પૂરું કરી દેવાયુ છે.
એરોબ્રિજ બની ગયા,ટૂંક સમયમાં લાગી જશે
નવા એરપોર્ટ પર ચાર એરોબ્રિજ બનીને તૈયાર થઈ ગયા છે હવે ટૂંક સમયમાં નવા ટર્મિનલ શરૂ થતા ની સાથે જ આ એરોબ્રિજ સક્રિય થઈ જશે, અગાઉ તેની ટ્રાયલ પણ લેવાઈ ગઈ છે. આ એરોબ્રિજના લીધે પેસેન્જર ટર્મિનલ પરથી સીધા જ ફ્લાઈટમાં જઈ શકે છે જેના લીધે રનવેથી ફ્લાઇટ સુધીનો મહત્તમ સમય બચી જાય છે, એરોબ્રિજ ના લીધે દરેક ફલાઈટ ના ઓપરેશન વચ્ચે 20 મિનિટ જેટલો સમયગાળો બચાવી શકાશે.
નવાં ટર્મિનલમાં 256 સી.સી.ટી.વીથી બાજનજર
રાજકોટ એરપોર્ટના મુખ્ય ટર્મિનલમાં 256 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જેની કામગીરી હવે પૂરી થવાની તૈયારીમાં છે. એરપોર્ટ સંવેદનશીલ ગણાય છે જેની સુરક્ષામાં જરા પણ ચૂક ચાલતી નથી, આથી ટર્મિનલ અને ટર્મિનલ ની આસપાસ નો તમામ વિસ્તાર નજરથી બહાર ન જાય તે માટે 256 જેટલા સીસીટીવી કેમેરાથી સિક્યુરિટી કડક બનાવાશે.