Air India એ લોગો, ડિઝાઈનમાં ફેરફાર કર્યો, નવા પ્લેનનો ફર્સ્ટ લુક સામે આવ્યો
ટાટા ગ્રુપની માલિકીની એર ઈન્ડિયાએ ફ્રાન્સના તુલોઝમાં પેઇન્ટ શોપમાં પાર્ક કરેલા તેના A350 પ્લેનની તસવીરો શેર કરી છે. એર ઇન્ડિયાએ લોગો, ડિઝાઈનમાં ફેરફાર કર્યા બાદ પ્લેનનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. એરલાઈને પોતાની જાતને રિબ્રાન્ડ કરી છે અને નવો લોગો અને લિવરી રજૂ કરી છે. આ પ્લેન શિયાળામાં ભારત આવશે.
એર ઇન્ડિયાએ X પર તસવીરો પોસ્ટ કરતાં લખ્યું કે, ‘અહીં ટુલોઝમાં પેઇન્ટ શોપમાં અમારી નવી લિવરીમાં ભવ્ય A350નો પ્રથમ લુક છે. આપણું A350 આ શિયાળામાં ઘરે આવશે…’
એર ઇન્ડિયાએ ઓગસ્ટની શરૂઆતમાં રિબ્રાન્ડિંગ કવાયતના ભાગરૂપે તેના નવા લોગો અને કલરનું અનાવરણ કર્યું હતું. નવો લોગો એ એરલાઇનના આઇકોનિક મહારાજા માસ્કોટનો આધુનિક દેખાવ છે, જેમાં વધુ સ્ટાઇલાઇઝ્ડ ડિઝાઇન અને લાલ, સફેદ અને જાંબલી રંગ છે.
પ્લેન પર બોલ્ડ લાલ કલરમાં અલગ ફોન્ટમાં એર ઈન્ડિયા લખેલું છે. વિમાનની નીચે લાલ રંગનો પેચ પણ દર્શાવવામાં આવ્યો છે જેમાં એર ઈન્ડિયા સફેદ રંગમાં લખાયેલ છે. એરલાઈને જણાવ્યું હતું કે, નવા એરક્રાફ્ટ લિવરી અને ડિઝાઈનમાં ડીપ રેડ, ઓબર્ગીન અને ગોલ્ડ હાઈલાઈટ્સની પેલેટ તેમજ ચક્ર પ્રેરિત પેટર્ન છે.
જણાવી દઈએ કે, ટાટા ગ્રુપ દ્વારા ગયા વર્ષે સરકાર પાસેથી 18,000 કરોડ રૂપિયામાં રાષ્ટ્રીય એરલાઇન કંપની એર ઇન્ડિયાને હસ્તગત કરવામાં આવી હતી. એર ઈન્ડિયા એ કંપની હતી જે ટાટા ગ્રૂપના સ્થાપક જેઆરડી ટાટા દ્વારા શરૂ કરવામાં આવી હતી અને 69 વર્ષ પછી કંપનીની ઘર વાપસી થઇ હતી. એર ઈન્ડિયાની ઘર વાપસી પછી ટાટા ગ્રૂપ એરલાઈનના કાયાકલ્પમાં વ્યસ્ત બન્યું છે.