અમદાવાદ ‘ખ્યાતિકાંડ’નો માસ્ટર માઈન્ડ ડૉ.સંજય પટોળિયા ૨૨ વર્ષથી રાજકોટમાં જાડીયાઓને કરે છે પાતળા !!
પાંચ લોકો સામે ગુના નોંધાયા તેમાં પટોળિયા પણ સામેલ: ગુરૂવારે છ સર્જરી કરવાની હતી જે કરી દીધી કેન્સલ
વિદ્યાનગર મેઈન રોડ પર હિરા કોમ્પલેક્સમાં ન્યુ લાઈફ નામની હોસ્પિટલ ૨૦૦૨થી ધમધમે છે: અહીં આયુષ્યમાન કાર્ડથી નહીં રોકડેથી જ થાય છે સારવાર
હોસ્પિટલના મેડિકલ ઓફિસરે કહ્યું, બુધવારે સાહેબે મેસેજ કરીને ઓપરેશન રદ્દ કરવા આપ્યો'તો આદેશ

અમદાવાદ જ નહીં બલ્કે આખા ગુજરાતના તબીબી ક્ષેત્ર પર પ્રશ્નાર્થ ચિન્હ મુકી દેનારા ખ્યાતિ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં થયેલા કાંડ બાદ સરકાર એક્શનમાં આવી છે અને પાંચ લોકો સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં એક ડૉ.સંજય પટોલિયા પણ સામેલ છે. આમ તો આ કાંડમાં માસ્ટર માઈન્ડ ડૉ.સંજય પટોલિયા હોવાનો ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે ત્યારે ડૉ.પટોલિયા છેલ્લા ૨૨ વર્ષથી રાજકોટમાં
જાડિયા’ લોકોને પાતળા' કરવાનું કામ કરી રહ્યો હોવાનું ધ્યાન પર આવ્યું છે. ડૉ.સંજય પટોલિયા રાજકોટના ૧૫૦ ફૂટ રોડ ઉપર રહેઠાણ ધરાવે છે પરંતુ મોટાભાગે અમદાવાદમાં જ રહેતો હોવાનું તેના જ સ્ટાફ પાસેથી જાણવા મળ્યું હતું.
ડૉ.પટોલિયાની વિદ્યાનગર મેઈન રોડ ઉપર હિરા કોમ્પલેક્સમાં ન્યુ લાઈફ નામની હોસ્પિટલ ચાલે છે જ્યાં દર ગુરૂવારે બેરિયાટ્રિક મતલબ કે મેદસ્વીતા ઓછી કરવા સહિતના ઓપરેશન કરવામાં આવે છે.
વોઈસ ઓફ ડે’ ગુરૂવારે ડૉ.પટોલિયાની હોસ્પિટલે પહોંચ્યું ત્યારે ત્યાં હાજર મેડિકલ ઓફિસર ડૉ.દર્શીતને પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે બુધવારે સાંજે જ સાહેબ દ્વારા ગુરૂવારે કોઈ પ્રકારના ઓપરેશન કરવામાં નહીં આવે તેવું કહી દીધું હતું જેથી ગુરૂવારે થનારા છએય ઓપરેશન કેન્સલ કરવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું કે ન્યુ લાઈફ હોસ્પિટલ ડૉ.પટોલિયાની માલિકીની જ છે અને તેનો પ્રારંભ ૨૦૦૨માં કરવામાં આવ્યો હતો. અહીં ઓપરેશન દર ગુરૂવારે ડૉ.પટોલિયાની હાજરીમાં જ કરવામાં આવે છે બાકીના દિવસોમાં મેડિકલ ઓફિસર સહિતની ટીમ દ્વારા ઓપીડી ચલાવવામાં આવે છે. અત્યાર સુધીમાં અનેક લોકોની સર્જરી કરવામાં આવી છે તો દૈનિક ૧૫થી ૨૦ ઓપીડી થાય છે. અહીં આયુષ્યમાન કાર્ડ માન્ય નથી એટલા માટે દરેક પ્રકારનો ખર્ચ દર્દી પાસેથી જ વસૂલવામાં આવે છે.
હોસ્પિટલની મુલાકાત વખતે એક દર્દી ત્યાં હાજર હતું તેને સારવાર અંગે પૂછવામાં આવતાં કહ્યું હતું કે ત્રણ મહિના પહેલાં તેનો વજન ૧૩૪ કિલો હતો જે ઘટાડવા માટે તેણે આ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અત્યારે તેનું વજન ૧૦૦ કિલોની અંદર આવી ગયું છે. ગુરૂવારે ડૉક્ટરને બતાવવાનો વારો હતો પરંતુ ડૉક્ટર હાજર ન હોવાથી તેમણે રાહ જોવી પડી હતી અને અંતે મેડિકલ ઓફિસરે તેમની ફાઈલ ચકાસી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ ડૉ.પ્રશાંત વજીરાણીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ડૉ.કાર્તિક પટેલ, ડાયરેક્ટર ડૉ.સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી અને સીઈઓ ચિરાગ રાજપૂત ફરાર હોવાનું સામે આવ્યું છે.