ક્રિકેટ રમ્યા બાદ 22 વર્ષીય યુવાનની જિંદગીની ઇનિંગ પણ પૂરી થઈ! એકના એક પુત્રનું હાર્ટ એટેકથી મોત,પરિવાર પર આભ ફાટી પડયું
રાજ્યમાં નાની ઉંમરે હાર્ટ એટેકના બનાવોમાં વધારો થઈ રહ્યો છે, જે ચિતાનો વિષય બની રહ્યો છે. ત્યારે આવી જ એક વધુ ઘટના રાજકોટમાં બનાવ પામી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક આવેલી સમરસ હોસ્ટેલના ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમ્યા બાદ 22 વર્ષીય યુવક બેભના થઈ ઢળી પડયો હતો. મિત્રો દ્વારા હોસ્પિટલમાં ખસેડતાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. એકના એક પુત્રના મોતથી પરિવારમાં ઘેરો કલ્પાંત છવાઈ ગયો હતો.
આ પણ વાંચો : રાજકોટમાં મિલાવટ ખોરીએ માઝા મૂકી : ઘી, ચીઝ, બટર અને આઈસ્ક્રીમમાં મિલાવટ મામલે 1.85 લાખનો દંડ
બનાવની વિગત મુજબ, માળીયા હાટીના તાલુકાના અકાળા (ગીર) ગામનો વતની અને રાજકોટમાં રૂમ ભાડે રાખી સરકારી નોકરી માટેની તૈયારી કરતો 22 વર્ષીય સાત્વિક રામસિહભાઈ સોલંકી રવિવારે સાંજે 6 વાગ્યાં આસપાસ મિત્રો સાથે યુનિવર્સિટી રોડ પર સમરસ હોસ્ટેલ સામેના ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમી રહ્યો હતો. રમત પૂરી થતા જ યુવાન અચાનક અહીં બેભાન થઈ ઢળી પડ્યો હતો. સાથી મિત્રોએ યુવકને તત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યાં ઈમરજન્સી વિભાગમાં હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. ઘટનાને લઈને યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી ગામડે રહેતા પરિવારને બનાવ અંગે જાણ કરી હતી.
આ પણ વાંચો : પેટ-આંતરડા સંબંધિત બીમારીની સારવાર માટે ખાનગી હોસ્પિટલોમાં લૂંટાવું નહીં પડે : રાજકોટ એઈમ્સમાં જ થશે સારવાર
મૃતકના ફઈના દીકરા સૌરભ ડોડીયાએ જણાવ્યા મુજબ, સાત્વિક રાજકોટના વિમલનગર શેરી નંબર ૪માં રૂમ ભાડે રાખીને પોતાના મિત્રો સાથે રહેતો હતો. તેમનો પરિવાર અકાળા ગીરમાં રહે છે. પિતા ખેતી કામ કરે છે. સાત્વિક તેના માતા પિતાનો એકનો એક પુત્ર હતો. અહીં રાજકોટમાં રહી તે સરકારી નોકરીની તૈયારી કરતો હતો. તેને ક્રિકેટ રમવાનું બહુ શોખ હોવાથી ગઈકાલે રવિવાર હોવાથી બપોર બાદ સમરસ હોસ્ટેલ પાસેના ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા માટે ગયો હતો.
સાંજે છ વાગ્યા આસપાસ ક્રિકેટની રમત પૂરી થઈ ગઈ હતી અને બધા યુવાનો પોતાના ઘર તરફ જવાની તૈયારી કરતા હતા ત્યારે જ અચાનક સાત્વિક થઈ ગયો હતો. હાજર યુવાનોએ તેના ચહેરા ઉપર પાણી છાંટ્યું હતું અને તેને પાણી પીવડાવ્યું હતું.108 મા બેસાડીને સાત્વિક ને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. રસ્તામાં સાત્વિક ભાનમાં હતો અને મિત્રો સાથે વાત કરતો હતો. હોસ્પિટલમાં ઈસીજી રિપોર્ટ કરાવતાં હાર્ટ એટેકની અસર હોવાનું સામે આવ્યું હતું એટલા માંજ યુવકને બીજો હૃદય રોગનો હુમલો આવતાં તેનું મોત નિપજ્યું હતું. ત્યારે આશાસ્પદ યુવાનના મોતથી પરિવારમાં ઘેરો શોક છવાઈ ગયો હતો.
