કમળ, પંજો, ઝાડુ બાદ હવે ‘એપલ’ : રાષ્ટ્રીય સમાજ પક્ષને ચૂંટણી પ્રતીક તરીકે સફરજનનું ચિન્હ ફાળવાયું
આગામી સમયમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગર પાલિકા અને મહાનગર પાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજનાર છે ત્યારે અમાન્ય પક્ષ તરીકે નોંધાયેલ રાષ્ટ્રીય સમાજ પક્ષે ચૂંટણીપંચ સમક્ષ ચૂંટણી પ્રતીક તરીકે સફરજન (એપલ)ની માંગણી કરતા ચૂંટણી પંચ દ્વારા આગામી પાંચ વર્ષ માટે સફરજન ચૂંટણી ચિન્હ તરીકે ફાળવવા વિચારણા કરી વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા છે.
રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા તાજેતરમાં જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે,અમાન્ય પક્ષ તરીકે નોંધાયેલ રાષ્ટ્રીય સમાજ પક્ષે ચૂંટણીપંચ સમક્ષ ચૂંટણી પ્રતીક તરીકે સફરજન (એપલ)ની માંગણી કરતા ચૂંટણી પંચ દ્વારા આગામી પાંચ વર્ષ માટે સફરજન ચૂંટણી ચિન્હ તરીકે ફાળવવા વિચારણા હેઠળ છે, જેથી કોઈપણ પક્ષ, વ્યક્તિ, સંસ્થા કે જાહેર જનતાને વાંધા સૂચન હોય તો સચિવ રાજ્ય ચૂંટણીપંચ, ગાંધીનગર સમક્ષ 30 દિવસમાં વાંધા સૂચનો આપવા અન્યથા રાષ્ટ્રીય સમાજ પક્ષને માંગણી મુજબ ચૂંટણી ચિન્હ ફાળવવામાં આવશે તેમ જણાવાયુ છે.