પત્નીની હત્યા કર્યા બાદ લાશના ટુકડા કરી ત્રણ દિવસ પ્રેશર કૂકરમાં ઉકાળ્યા
હૈદરાબાદમાં પૂર્વ સૈનિકે આચર્યું ભયંકર કૃત્ય
હૈદરાબાદમાં એક ભૂતપૂર્વ સૈનિકે કરેલી તેની પત્નીની ક્રૂર હત્યાએ સમાજને સ્તબ્ધ કરી દીધો છે.આ શખ્સે તેની પત્નીની હત્યા કર્યા બાદ લાશના ટુકડા કરી સતત ત્રણ દિવસ સુધી પ્રેશર કુકરમાં ઉકાળ્યા હતા અને બાદમાં બધા અવશેષો નજીકના તળાવમાં ફેંકી દીધા હતા.
આ ખૌફનાક હત્યા કેસની વિગતો કંપાવી દે તેવી છે. પોલીસના જણાવ્યા મુજબ સેના માંથી નિવૃત્ત થયા બાદ ડીઆરડીઓ ની સ્થાનિક કચેરીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા 45 વર્ષીય ગુરુમૂર્થીની 35 વર્ષની પત્ની વેંકટ માધવી અચાનક લાપતા બની જતા તેના માતા પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ નોંધાવતી વેળા પણ ગુરુમૂર્થી સાથે રહ્યો હતો. જો કે પોલીસને શંકા જતા કરેલી આકરી પૂછપરછ બાદ ગુરૂમૂર્થીએ પોતે જ હત્યા કર્યાનું કબૂલ્યું હતું. તેના જણાવ્યા મુજબ તેણે પત્નીની હત્યા કર્યા બાદ બાથરૂમમાં લાશના અનેક ટુકડા કર્યા હતા. લાશ ની બદબુને કારણે મામલો જાહેર ન થાય તે માટે તેણે બાદમાં એ ટુકડાઓને પ્રેશર કુકરમાં ઉકાળ્યા હતા. ઠંડે કલેજે ધારદાર હથિયાર વડે માંસ અને હાડકા અલગ કર્યા હતા અને હાડકાઓના પણ કટકા કર્યા હતા. ત્રણ દિવસ સુધી તેણે આ ટુકડાઓને ઉકાળવાની કામગીરી કરી હતી અને બાદમાં બધા અવશેષો એક બેગમાં ભરી નજીકના તળાવમાં ફેંકી દીધા હતા.
પ્રાપ્ત વિગત મુજબ પતિ પત્ની વચ્ચે પહેલેથી ઝઘડા થતા હતા. તેમાં પત્નીએ અચાનક જ પોતાના વતનના ગામ નંદીયાલ માં જવાની ઈચ્છા કરતા ખોટી શંકા કુશંકા ને આધારે ગુરુમૂર્થીએ આ ક્રુર હત્યા કરી હતી. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી મૃતદેહના અવશેષો શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.