રાજકોટમાં મિલાવટ ખોરીએ માઝા મૂકી : ઘી, ચીઝ, બટર અને આઈસ્ક્રીમમાં મિલાવટ મામલે 1.85 લાખનો દંડ
રાજકોટ શહેરના વિવિધ વિસ્તારમાંથી મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલ ખાદ્યપદાર્થના નમૂના પરીક્ષણ બાદ સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા ફૂડ સેફટી અંગેના છ કેસ રાજકોટ અધિક નિવાસી કલેકટર અને એડજયુકેટિંગ ઓફિસરની કોર્ટમાં ચાલી જતા એડજયુકેટિંગ ઓફિસર દ્વારા ઘી, બટર, ચીઝ, આઈસ્ક્રીમમાં મિલાવટ મામલે 1.85 લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.
આ પણ વાંચો : પેટ-આંતરડા સંબંધિત બીમારીની સારવાર માટે ખાનગી હોસ્પિટલોમાં લૂંટાવું નહીં પડે : રાજકોટ એઈમ્સમાં જ થશે સારવાર
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેર અને જિલ્લામાં મિલાવટ ખોરીએ માઝા મૂકી છે. રાજકોટ શહેરમાં મહાનગર પાલિકાના ફૂડ વિભાગ તેમજ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ દ્વારા નિયમિત રીતે ચેકીંગ કરવામાં આવતું હોવા છતાં મિલાવટ ખોરો પૂરતા નાણાં લઈ ગ્રાહકોને જોખમી ખાદ્યપદાર્થ ધાબડી રહ્યા છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા લેવામાં આવેલ નમૂના સબ સ્ટાન્ડર્ડ આવતા રાજકોટ અધિક નિવાસી કલેકટર અને એડજયુકેટિંગ ઓફિસર આલોક ગૌતમ દ્વારા છ કેસમાં 1.85 લાખ દંડ ફટકરાવામાં આવ્યો હતો. જેમાં મવડી રોડ ઉપર આવેલ ક્રિષ્ના ડેરીનું ઘી સબ સ્ટાન્ડર્ડ આવતા 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : રાજકોટમાં GST અપીલ ટ્રીબ્યુનલ ડિસેમ્બરથી શરૂ થઈ જશે : 500થી વધુ કેસનું જલ્દીથી નિરાકરણ આવે તેવી આશા
આ ઉપરાંત રાજકોટના વેકરીયા રોડ ઉપર ઘીનો ધંધો કરતા અનંતભાઈ મુળજીભાઈ લુણાગરિયાને ત્યાંથી લેવાયેલ ઘીનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ આવતા 25 હજાર, 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલ નીપલ્સ ફૂડમાં ચીઝ સબ સ્ટાન્ડર્ડ આવતા 70 હજાર, વિરાણી હાઈસ્કૂલમાં આવેલ દસ સેન્ડવીચ અડ્ડામાંથી લીધેલ બટરનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ આવતા 35 હજાર, ગઢીયા એસ્ટેટમાં આવેલ ડિલાઇટ આઈસ્ક્રીમનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ આવતા 15 હજાર અને પાનમસાલા ફ્લેવર્ડ આઈસ્ક્રીમમાં ફેટની હાજરી જોવા મળતા 15 હજાર સહિત કુલ છ કેસમાં 1.85 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
