ADR અને મહુઆ મોઇત્રાને ‘સુપ્રીમ’ ઝટકો : બેન્ચે કહ્યું જરુરુ પડ્યે ચૂંટણી પછી સુનાવણી કરશું
મતદાનના આંકડા સાર્વજનિક કરવાની માંગ ફગાવાઈ
સુપ્રીમ કોર્ટે લોકસભા ચૂંટણી દરમિયાન મતદાનની ટકાવારીના આંકડા તેની વેબસાઇટ પર અપલોડ કરવા અંગે ચૂંટણી પંચને કોઈપણ સૂચના આપવાનો ઇનકાર કર્યો હતો.
સુપ્રિમ કોર્ટે ચૂંટણી પંચને મતદાર મતદાનના સાચા આંકડા (મતદાનની ટકાવારી) પ્રકાશિત કરવા અને તેની વેબસાઇટ પર ફોર્મ 17C ની નકલો અપલોડ કરવા માટે નિર્દેશ માંગતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, શનિવારે છઠ્ઠો તબક્કો છે. અમારું માનવું છે કે ચૂંટણી પછી આ મામલે સુનાવણી થવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે લોકસભા ચૂંટણી માટે પાંચ તબક્કા પૂર્ણ થઈ ગયા છે, બે તબક્કા બાકી છે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચ માટે લોકોને વોટિંગ ટકાવારીના આંકડા વેબસાઈટ પર અપલોડ કરવાના કામમાં જોડવા મુશ્કેલ છે.
આ અરજી એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે એડીઆર અને તૃણમૂલ નેતા મહુઆ મોઇત્રા વતી દાખલ કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણી જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની ખંડપીઠે કરી હતી અને ચૂંટણી પંચના વકીલે અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, આ અરજી સુનાવણીને લાયક નથી. તેમણે કહ્યું કે, આ કાયદાની પ્રક્રિયાના દુરુપયોગનો ઉત્તમ મામલો છે. દેશમાં ચૂંટણી ચાલી રહી છે અને તેઓ વારંવાર આ રીતે અરજીઓ દાખલ કરી રહ્યા છે.
ચૂંટણી પંચના વકીલ વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહે કહ્યું કે, આ અરજીકર્તાઓ પર ભારે દંડ થવો જોઈએ. આવા લોકોનું આ પ્રકારનું વલણ હંમેશા ચૂંટણીની પવિત્રતા પર પ્રશ્નાર્થ ઉભા કરીને જનહિતને નુકસાન પહોંચાડે છે. પંચે કહ્યું કે, માત્ર આશંકાના આધારે ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે જ્યારે સુપ્રીમ કોર્ટે તેના તાજેતરના નિર્ણયમાં તમામ પાસાઓ સ્પષ્ટ કરી દીધા છે. મનિન્દર સિંહે કહ્યું કે, લોકસભા ચૂંટણી દરમિયાન આયોગને બદનામ કરવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે. સ્થાપિત કાયદા મુજબ ફોર્મ 17C EVM VVPAT સાથે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે. ફાઈનલ ડેટામાં 5 થી 6 ટકાનો તફાવત હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ આરોપ સંપૂર્ણપણે ખોટો અને પાયાવિહોણો છે. ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે અને પંચની સતત બદનામી થઈ રહી છે.