દર્દીઓને લૂંટાવા’ નહીં દેવાય,બહાર’ની દવા લખનાર તબીબ સામે કાર્યવાહી થશે
મફતમાં દવા મળી રહે તે માટે સરકાર કરોડો રૂપિયા ફાળવે છે છતાં બહારની દવા લખાય તે બિલકુલ નહીં ચાલે
વૉઈસ ઑફ ડે'માં અહેવાલ પ્રસિદ્ધ થતાંની સાથે જ તમામ વિભાગના વડાઓની તાત્કાલિક બેઠક બોલાવતાં સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.ત્રિવેદી: મામલાની તપાસ કરવા કમિટીની રચના, સોમવાર સુધીમાં રિપોર્ટ આપવા આદેશ: દવાના સ્ટોકની થશે સમીક્ષા પેટા: દવા કંપની-તબીબ વચ્ચે ચાલતી
મીલીભગત’નો પર્દાફાશ કરવા બદલ વૉઈસ ઑફ ડે'નો આભાર વ્યક્ત કરતાં સિવિલના સત્તાવાળાઓ
મોંઘીદાટ સારવાર વિનામૂલ્યે કરી આપતી સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ આવતાં હોય છે. અહીં પોતાના દર્દનું વર્ણન કર્યા બાદ ફરજ પર રહેલા તબીબ દ્વારા એક કાગળ પર દવા લખી આપવામાં આવે છે. દવા લખાય એટલે દર્દી હવે તેને દર્દમાંથી રાહત મળશે તેવી આશા સાથે પહેલાં સિવિલની દવાબારી પર જાય છે. ત્યાંથી અમુક દવા લીધા બાદ બાકી રહી ગયેલી દવા તેણે મેડિકલમાંથી લેવી પડશે તેવું કહેવાતાં જ ખાસ કરીને ગરીબ દર્દીની હાલત કફોડી થઈ જાય છે. જો કે દર્દને કારણે તે કોઈ કડાકૂટમાં પડતો હોતો નથી પરંતુ દર્દીઓ આ પ્રકારે છેલ્લા ઘણા સમયથી લૂંટાઈ રહ્યા હોવાનો અને સરકારની મનાઈ છતાં ચોક્કસ કંપનીની નામજોગ દવા લખવામાં આવી રહ્યાનો ધગધગતો અહેવાલ
વૉઈસ ઑફ ડે’માં પ્રસિદ્ધ થતાં જ તંત્રમાં દોડધામ થઈ જવા પામી હતી.
દરમિયાન સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.આર.એસ.ત્રિવેદીએ તાત્કાલિક આ ગંભીર મામલો હાથ પર લઈ તપાસનો આદેશ આપ્યો છે. સાથે સાથે તેમણે જણાવ્યું કે સરકાર દ્વારા લોકોને મફતમાં દવા મળી રહે તે માટે કરોડો રૂપિયા આપવામાં આવી રહ્યા છે આમ છતાં દર્દીઓને બહારથી અને તેમાં પણ ખાસ કરીને ચોક્કસ નામજોગ દવા લેવી પડે તે મુદ્દો ઘણો જ ગંભીર હોવાથી પહેલાં તો તેમણે આ અહેવાલ પ્રસિદ્ધ કરવા બદલ વૉઈસ ઑફ ડે'નો આભાર વ્યક્ત કર્યો હતો. આ પછી ડૉ.ત્રિવેદીએ જણાવ્યું કે જે દવા નામજોગ લખાઈ છે તે સ્નાયુના દુ:ખાવાની છે એટલા માટે ફિઝિશ્યન અથવા તો ઓર્થોપેડિક દ્વારા લખવામાં આવી હોઈ શકે છે એટલા માટે આ બન્ને વિભાગોના તબીબોને બોલાવીને કડક પૂછપરછ કરવામાં આવશે. તેના પહેલાં બુધવારે સિવિલ સર્જન દ્વારા તમામ વિભાગના વડાઓને તાકિદે બેઠક માટે બોલાવ્યા હતા જેમાં
વૉઈસ ઑફ ડે’ના અહેવાલ અંગે ગહન ચર્ચા કરી જવાબ માંગવામાં આવ્યો હતો.
આ પછી એક કમિટીની રચના કરવામાં આવી હતી જેના દ્વારા સોમવાર સુધીમાં નામજોગ દવા લખનાર તબીબને શોધીને તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી બાહેંધરી પણ સિવિલ સર્જન દ્વારા આપવામાં આવી હતી. બીજી બાજુ તમામ વિભાગના વડાઓની બેઠકમાં સિવિલ પાસે દવાનો સ્ટોક કેટલો છે, પેટના દુ:ખાવા, નાકના ટીપા, વા, અલ્સર સહિતના રોગોની દવા કેટલી છે, ન હોય તો શા માટે નથી અને ક્યાં સુધીમાં આવી જશે તે સહિતના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.
શું સિવિલના તબીબ અને એમ.આર.વચ્ચે કોઈ સેટિંગ' હશે ?
વૉઈસ ઑફ ડે’માં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ સિવિલ હોસ્પિટલમાં એવી ચર્ચાએ પણ જોર પકડી લીધું હતું કે શું કંપનીના નામજોગ દવા લખનાર તબીબ અને મેડિકલ રિ-પ્રેઝન્ટેટીવ (એમ.આર.) વચ્ચે કોઈ પ્રકારનું સેટિંગ હશે ? જો આવું હોય તો જ તબીબ દ્વારા નિયમ વિરુદ્ધ જઈને નામજોગ દવા લખી આપવામાં આવી હોઈ શકે છે એટલા માટે આ મુદ્દે પણ તપાસ કરવી જરૂરી બની જાય છે.
…તો તબીબને ઘરભેગા કરી દેવા સહિતની આકરી કાર્યવાહી
સિવિલ સર્જન ડૉ.ત્રિવેદીએ જણાવ્યું કે સોમવાર સુધીમાં કમિટીનો રિપોર્ટ આવી ગયા બાદ દવા લખી આપનાર તબીબનો ખુલાસો પૂછવામાં આવશે જેમાં તે દોષિત ઠરશે તો તેને ઘરભેગા કરી દેવા સહિતની આકરી કાર્યવાહી પણ કરવામાં આવી શકે તેમ છે કેમ કે કંપનીના નામ સાથે દવા લખવાની સરકારની મનાઈ હોવા છતાં તેણે શા માટે આવું કર્યું હશે તે મુદ્દો ઘણો જ ગંભીર છે.