રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે થયેલી હત્યા કેસમાં આરોપીને આજીવન કેદની સજા : પૈસાની લેવડ-દેવડ મામલે ખેલાયો’તો ખૂની ખેલ
શહેરના રૈયા ટેલિફોન એક્ષચેન્જ નજીક પૈસાની લેવડદેવડમાં ખૂની ખેલાયો હતા. જેમાં કેટલાક આરોપીઓએ યુવક પર હુમલો કરી હત્યા નિપજાવી હતી. આ કેસમાં આરોપી ગોવિંદ ઘુઘા ભરવાડને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા તથા રૂ. 75000ના દંડ ફટકાર્યો છે.
આ કેસની હકીકત એવી છે કે, ફરિયાદી વિભાભાઈ કાળાભાઈ મકવાણા રાજકોટમાં રામદેવ દુગ્ધાલયના નામે દૂધનો વેપાર કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના મોટા પુત્ર હાર્દિક પિતા સાથે દૂધના કન્ટેનર ભરવાનું કામ કરતો હતો. વર્ષ 2018ના મે મહિનામાં રાત્રે પોણા અગિયાર વાગ્યે ફરિયાદીના પાડોશી પુનાભાઈ મંગાભાઈએ તેમને જાણ કરી કે, તમારા પુત્ર હાર્દિકને ગોવિંદ ઘુઘા અને ટીટીયો ઘુઘા ભરવાડ સાથે ઝઘડો થયો છે અને તેને ચોકમાં માર મારવામાં આવી રહ્યો છે.
ફરિયાદી તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે મોટરસાઇકલ પર ત્રણ સવારીમાં ગોવિંદ ઘુઘા, ટીટીયો ઘુઘા, સેલા વિભા, રાહુલ સેલા, અર્જુન સેલા અને ઘુઘા વિભા ત્યાંથી ભાગી ગયા હતા. ત્યાં તેમના પુત્ર હાર્દિક રોડ પર પડેલો હતો. હાર્દિકને માથા, બંને પડખા, બગલ પાસે, વાસા અને બંને હાથમાં છરીના ઘા મારવામાં આવ્યા હતા. પુત્રે તુટક અવાજમાં જણાવ્યું કે, પૈસાની લેવડદેવડને લઈને ઝઘડો થયો હતો અને ગોવિંદ ઘુઘા, રાહુલ સેલા સહિત અન્યોએ તેને ગાળો આપી, માર માર્યો અને છરીના આડેધડ ઘા માર્યા હતા.હાર્દિકને રિક્ષામાં બેસાડી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો, જ્યાં ઈમર્જન્સી વિભાગમાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. ત્યારબાદ ફરિયાદીએ ગાંધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપીઓને પકડી જેલહવાલે કર્યા અને તપાસ બાદ ચાર્જશીટ દાખલ કરી હતી.
સેશન્સ કોર્ટમાં કેસ ચાલતા ફરિયાદી વતી એડવોકેટ અનિલ દેસાઈ રોકાયા હતા. સરકારી વકીલ તરીકે સમીર ખીરા અને રક્ષિત કલોલા રોકાયા હતા. તેમણે ફરિયાદી અને અન્ય સાક્ષીઓની જુબાની લીધી, જેમાં તમામે ફરિયાદને સમર્થન આપ્યું હતું. આખરી દલીલમાં સરકારી વકીલ રક્ષિત કલોલાએ જણાવ્યું કે, આરોપીઓએ જુનુની રીતે ગેરકાયદેસર મંડળી રચીને હત્યા કરી છે અને તેઓ સમાજ માટે જોખમરૂપ છે, તેથી તેમને આજીવન કેદની સજા થવી જોઈએ.કોર્ટે સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં લઈને આરોપી ગોવિંદ ઘુઘા ભરવાડને આજીવન કેદ અને રૂ. 75000ના દંડની સજા સંભળાવી છે.
